- ડીસાના બજરંગ ટ્રેડિંગનું નકલી તેલ પાટણમાં ઉતારાયું
- ફૂડ વિભાગે 64000નો મુદ્દામાલ કર્યો સિઝ
- ફૂડ વિભાગની રેડને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ
પાટણઃ શહેરમાં ખાદ્ય તેલના વેપારીઓ દ્વારા રાતોરાત માલેતુજાર બનવા અને હાલની અસહ્ય મોંઘવારીમાં તેલના વધેલા ભાવનો લાભ ઉઠાવી લોકોના આરોગ્ય સાથે નકલી તેલનું વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની બૂમ ઉઠી હતી. ત્યારે ગુરુવારે પાટણ ફૂડ વિભાગ અધિકારીઓએ નકલી તેલના હબ ગણાતા ડીસાના બજરંગ ટ્રેડિંગ દ્વારા પાટણમાં નકલી તેલના ડબ્બા ઉતારવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે જુના ગંજ બજારમાં વોચ ગોઠવી હતી.
નકલી તેલના સેમ્પલો લઈ વડોદરા ખાતે લેબોરેટરી મોકલવા તજવીજ હાથ ધરી
પાટણ ફૂડ વિભાગ અધિકારીઓ દ્વારા બપોરના સમયે અચાનક વીર વિજય ટ્રેડિંગ અને જગદંબા ઓઈલ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. વિવિધ બ્રાન્ડના તેલના ડબ્બાઓની ચકાસણી કરતા 26 ડબ્બામાં ભેળસેળવાળું નકલી તેલ જણાય આવ્યુ હતુ. આ 26 ડબ્બા મળી કુલ 64 હજાર રૂપિયાનો મુદ્દામાલ સીઝ્ડ કર્યો હતો. તેમજ તેના સેમ્પલો લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.