વરાણા ગામે મીની કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ પાટણ :વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે બિરાજમાન આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરે દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે. જેને મીની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. મેળામાં 15 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને માતાજીના દર્શન કરી મેળાની મોજ માણે છે.
આ પણ વાંચોબન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો
ખરીદી માટે બજાર ભરાય : આ મેળામાં ઘરવખરીની ચીજ વસ્તુઓ, સજાવટની ચીજ વસ્તુઓ અલગથી બજાર ભરાય છે. જેમાં અનેક લોકો ખરીદી પણ કરે છે તો તેમજ નાના બાળકો માટે વિવિધ પ્રકારના ચગડોમાં બસી મેળો માણે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે વરાણા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા મેળો યોજવામાં આવ્યો ન હતો, ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીના ડર વગર પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે લોકમેળો યોજાશે. 22 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે. જેને લઇ ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
બહારગામથી આવતા લોકો માટે વ્યવસ્થા:ગ્રામ પંચાયત દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની,પાર્કિંગની તેમજ શ્રદ્ધાળુ ભક્તો મંદિર સુધી પહોંચી શકે તે માટે અલગ અલગ ત્રણ જેટલા રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 દિવસ દરમિયાન માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લી રહેશે. જેથી બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ ભક્તો કોઈપણ સમયે માતાજીના દર્શન કરી પોતાની બાધા માનતા પૂર્ણ કરી શકશે.
આ પણ વાંચોવસિષ્ઠ શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
તમામ તૈયારીઓ મંદિર દ્વારા:વરાણા ગામે ચાલનારા 15 દિવસીય લોકમેળામાં વીજ પ્રવાહ સતત ચાલુ રહે તે માટે UGVCLની કંપની દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી છે. આમ વરાણા ગામે ભરાતા મીની કુંભ મેળાને લઈને મંદિર ટ્રસ્ટ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો માતાજીના દર્શને આવશે તેને લઈ તમામ તૈયારીઓ મંદિર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.