- બંધ કરાયેલા રેલવે વ્યવહાર શરૂ કરવા પાટણ વાસીઓની માગ
- 11 મહિનાથી ટ્રેન વ્યવહાર સંપૂર્ણ છે બંધ
- ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રવાસમાં પડે છે મુશ્કેલીઓ
પાટણઃકોરોના મહામારીને લઇ છેલ્લા 11 મહિનાથી પાટણની તમામ રેલવે સેવાઓ બંધ કરવામાં આવી છે. કેટલાક સમયથી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. જેને કારણે અપડાઉન કરતાં નોકરિયાતો તેમજ અન્ય પ્રવાસીઓને ખાનગી વાહનોમાં ડબલ ભાડા ખર્ચી પ્રવાસ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ રિક્ષા ચાલકો અને રેલવે સ્ટેશનની આસપાસના ધંધાર્થીઓ પણ બેકાર બન્યા છે. જેને લઇ રાબેતા મુજબ ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માગ કરવામાં આવી છે.
રેલવે સેવા ચાલું કરવામાં આવે તેવી માગ
વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન કરી એસટી બસો, રેલવે વ્યવહાર, શૈક્ષણિક સંકુલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે સરકારે ST સેવાઓ અને શાળા-કોલેજો પણ શરૂ કરી છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ચાલુ નહીં કરાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રવાસ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાટણ રેલવે સ્ટેશનથી અગાઉ પાટણ અમદાવાદ ડેમો, પાટણ મહેસાણા લોકલ સહિતની ટ્રેનો દોડતી હતી. સસ્તા ભાડાની આ ટ્રેનોનો અનેક પ્રવાસી લાભ લેતા હતા. જે ટ્રેનો 11 મહિના બાદ પણ હજી સુધી શરૂ કરવામાં નહીં આવતાં પ્રવાસીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં ડબલ ભાડા ખર્ચવા પડે છે. તો બીજી તરફ ટૂંકા પગારમાં નોકરી કરતા અને અમદાવાદ-મહેસાણા અપડાઉન કરનારા વર્ગની હાલત કફોડી બની છે. તેથી પાટણની રેલવે સેવા ઝડપથી ચાલું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.