પાટણમાં પ્રથમવાર યોજાયો 108 ઔષધિઓનો અન્નકૂટ - latest news in Herb Annecut
પાટણ: જિલ્લામાં રોગ નાબુદી અભિયાન અંતર્ગત પાટણમાં રોટરી ડાયાબિટીક કલબ દ્વારા ધનવંતરી ભગવાનની પૂજા અને 108 ઔષધિઓના અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોને વિવિધ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓએ આયુર્વેદને અપનાવી તેની ઔષધિઓની અમૂલ્ય ભેટ સમગ્ર જીવોના આરોગ્યની સુખાકારી માટે આપી છે. પરંતુ, બદલાતા સમય પ્રમાણે આયુર્વેદને બદલે માનવીઓ એલોપેથીક દવાઓ તરફ વળ્યાં છે, ત્યારે આયુર્વેદ ઔષધિઓનું મહત્વ અને તેના ફાયદાઓ લોકો સુધી પહોંચાડવા માટે પાટણની રોટરી ડાયાબિટીસ કલબ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ વાડી ખાતે આયુર્વેદના ભગવાન ધનવંતરીની પૂજા તેમજ 108 ઔષધિઓના અન્નકૂટ ભરવામાં આવ્યા હતા. અન્નકૂટમાં મુકેલ તમામ ઔષધિઓના ફાયદાઓ વિશે આર્યુવેદના ડોકટર દ્વારા વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી હતી.