ગુજરાત

gujarat

ETV Bharat / state

Rotliya Hanuman Temple: પાટણમાં હનુમાનદાદાનું અનોખું મંદિર, જ્યાં પ્રસાદરૂપે ચડે છે રોટલા અને રોટલી - પાટણમાં હનુમાનદાદાનું મંદિર

સમગ્ર ભારતમાં ચિરંજીવી એવા હનુમાન દાદાના અનેક નાના-મોટા મંદિરો આવેલા છે. ત્યારે પાટણ શહેરના હાંશાપુર રોડ ઉપર આવેલ હનુમાન દાદાના મંદિરમાં પ્રસાદ રૂપે માત્રને માત્ર રોટલા અને રોટલી ચડે છે અને તે પ્રસાદ અબોલા પશુઓની જઠર અગ્નિ ઠાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

Unique Temple Hanuman Dada In Patan : પાટણમાં હનુમાનદાદાનું અનોખું મંદિર પ્રસાદ રૂપે ચડે છે રોટલા અને રોટલી
Unique Temple Hanuman Dada In Patan : પાટણમાં હનુમાનદાદાનું અનોખું મંદિર પ્રસાદ રૂપે ચડે છે રોટલા અને રોટલી

By

Published : Apr 5, 2023, 8:38 PM IST

Updated : Apr 5, 2023, 8:54 PM IST

Unique Temple Hanuman Dada In Patan : પાટણમાં હનુમાનદાદાનું અનોખું મંદિર પ્રસાદ રૂપે ચડે છે રોટલા અને રોટલી

પાટણ :મંદિર તો આપણે અનેક જોયા હશે, પરંતુ અમે આપને જે મંદિર બતાવવા જઈ રહ્યા છીએ તે મંદિર સમગ્ર વિશ્વમાં અનોખું અને અનોખી સેવા પૂરી પાડતું છે. આવુ અનોખું મંદિર એ પાટણ શહેરમાં આવેલું છે. મંદિરોના અનેક ઇતિહાસ અને અનેક વૈભવ આપણે જોયા હશે, પરંતુ અબોલ પશુ પક્ષીઓની જઠરાગ્નિ ઠારાવે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. જે રોટલીયા હનુમાન મંદિરના નામે ઓળખાય છે. તો શું છે આ રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ અને કેમ લોકો પ્રસાદ રૂપે ચડાવી રહ્યા છે મોટા પ્રમાણમાં રોટલી અને રોટલા આવો જોઈએ...

પ્રસાદ રૂપે ચડે છે રોટલા અને રોટલી : પાટણના શહેરના હાંસાપુર રોડથી ગોલ્ડન ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે, જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢતા હોય છે, પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે, પરંતુ રોટલીયા હનુમાન દાદાએ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. વાત જાણીને આશ્ચર્ય થશે કે, હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે તો અમે આપને જણાવી દઈએ કે, રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી. પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે અને પ્રસાદ રૂપે ચડાવે છે. મંદિરમાં પ્રસાદ રૂપે ચડાવવામાં આવેલા રોટલા અને રોટલીઓ સાંજ પડે મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વયં સેવકો આ રોટલાઓને અબોલ શ્વાનો સહિત અન્ય રખડતા પશુઓને પોતાના હાથે ખવડાવે છે. રોટલીયા હનુમાન મંદિરથી પ્રસાદ રૂપે આવતા રોટલા- રોટલીઓ આજે પાટણ શહેરના અનેક શ્વાનો સહિત અબોલા પશુઓની જઠર અગ્નિ ઠાળી રહ્યા છે.

Unique Temple Hanuman Dada In Patan : પાટણમાં હનુમાનદાદાનું અનોખું મંદિર પ્રસાદ રૂપે ચડે છે રોટલા અને રોટલી

વિશાળ કદની મૂર્તિ :મંદિરે દર્શને આવતા ભક્તો રોટલીયા હનુમાન દાદાને ચડાવવા રોટલા કે રોટલીઓ ધરેથી અવશ્ય લેતા આવે છે. એમાં પણ ગુરૂવાર તેમજ શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે. તેમજ મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાશાળી મૂર્તિ માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી આવતું :શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન દાદાને ચડાવવામાં આવેલા રોટલા અને રોટલીનો પ્રસાદનો બગાડ ન થાય અને સીધો જ ગર્ભ ગૃહમાં પહોંચી જાય તે માટે પ્રસાદ પેટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં નાખવામાં આવેલો પ્રસાદ સીધો જ મંદિરના નીચે બનાવવામાં આવેલ ઘર ગર્ભગૃહના મોટા વાસણમાં એકત્ર થાય છે. જે રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય અબોલ જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે લોકોની આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે બાધા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા પ્રસાદ સ્વરૂપે રોટલા કે રોટલી હનુમાન દાદાને ચડાવે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે. અહીં દર્શને આવતા કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી આવતું હાથમાં રોટલી કે રોટલાનો પ્રસાદ અવશ્ય લેતા આવે છે.

આ પણ વાંચો :Hanuman Jayanti : 11 મુખી હનુમાનના દર્શન તમામ સંકટોમાંથી અપાવશે મુક્તિ, ક્યાં છે આ મંદિર જૂઓ

અબોલ પશુઓની જઠરાગ્નિ ઠાળવા મંદિરનું નિર્માણ કરાયું :ભૂખ્યા અબોલ શ્વાનોના પેટનો ખાડો પુરાય તે માટે પાટણમા જીવદયા અને પુણ્યના ભાવ સાથે આ રોટલીયા હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે ટાઈમ માણસને ભૂખ લાગતી હોય તો અબોલ પશુઓને કેમ નહીં એમને પણ ભૂખ લાગતી હોય પણ એમને કોણ ખવડાવે... એમના માટે ખાવાનું કોણ બનાવે ?? અબોલ પશુ પક્ષી ભૂખ્યા ન રહે બસ આજ ઉમદા હેતુથી સેવા ભાવી લોકો દ્વારા પાટણમાં રોટલીયા હનુમાનના નામથી રોટલીયા હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે આજે સમગ્ર પાટણ પંથકમાં રોટલીયા હનુમાન મંદિર ખુબ પ્રચલિત થયું છે. લોકો પોતાની કે પોતાના પરિવારના સભ્યની વિદેશ જવાની ફાઈલ પાસ થાય તોપણ રોટલા ચડાવવા આવે છે. પરિવારમાં શારીરિક તેમજ પારિવારિક સમસ્યાઓ હલ થાય અને તેના માટે પણ શ્રદ્ધાળુ રોટલીયા હનુમાનની માનતા રાખે છે અને તે પૂર્ણ થાય છે તેવું શ્રદ્ધાળુઓના મોઢે સાંભળવા મળી રહ્યું છે. રોટલીયા હનુમાન મંદિરે કોઈપણ જાતના દોરા ધાગા કરવામાં આવતા નથી બસ મનમાં રોટલીયા હનુમાનની ટેક રાખી રોટલા રોટલી ચડાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે કોઈ શ્રદ્ધાળુનું કોઈ માનેલુ મોટું કામ થઈ જાય તો હરખથી તે રોટલા ચડાવવા આવે છે.

આ પણ વાંચો :Hanuman jayanti 2023: અમદાવાદમાં હનુમાનજીના જન્મોત્સવ પહેલા શહેરમાં નીકળી શોભાયાત્રા

અહીંયા થાય છે રોટલાની તુલા :જેમ સાકર તુલા થાય છે તેમ આ મંદિરમાં રોટલાની તુલા પણ થાય છે. માણસના વજન જેટલા રોટલા હનુમાન દાદાને ચડાવવામાં આવે છે. તો હિન્દુ ધર્મમાં આવતા ઉત્સવમાં પણ રોટલીયા હનુમાન દાદાને જોડી દેવામાં આવે છે અને મંદિરમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિરમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પણ ચાલુ કરવામાં આવ્યુ છે, સ્વીચ દબાવતાની સાથેજ અસંખ્ય રોટલીઓ ઘડીક વારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. ભૂખ્યા અબોલ જીવોને પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય તેમ ભગવાનને ચડાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ ભાગી અમીના ઓડકાર લેતા હોય છે. આ મંદિરમાં આસપાસની સોસાયટીઓના રહીસો દ્વારા તમામ પ્રકારની શ્રદ્ધાળુઓને ફ્રી સેવા આપવામાં આવે છે. અહીં મૂકવામાં આવેલ આરો મિનરલ વોટર પ્લાન્ટ, બેઠક માટે બાકડા, ટીવી તમામ વસ્તુઓ દાતાઓના દાનથી શ્રદ્ધાળુઓની સેવા માટે મુકવામાં આવ્યા છે. અબોલ શ્વાન, ગાય, કપિરાજ સહીતના મૂંગા પશુ પક્ષીઓના પેટનો ખાડો પુરાય એ આશયથી બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર સમગ્ર વિશ્વમાં એક માત્ર પાટણમાં છે. જેને જોવા અને રોટલાનો પ્રસાદ અર્પણ કરવા આજે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પાટણ આવી રહ્યા છે અને પોતાની માનતા પૂર્ણ કરી રહ્યા છે.

Last Updated : Apr 5, 2023, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details