પાટણ:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ (CM Bhupendra Patel in Siddhpur) સંપૂર્ણ કોવિડ-19 ગાઈડલાઈન સાથે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 16 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 16 વિદ્યાર્થીઓને રજતચંદ્રક સહિત કુલ 970 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના (Gokul Global University convocation ceremony) પ્રમુખ બલવંતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોનું સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કર્યું હતું. તો યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
21મી સદી જ્ઞાનની સદી બની છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણની દિશા અને દશા બદલાઇ છે. 21મી સદી જ્ઞાનની સદી બની છે. વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે ભારતે વૈશ્વિક પ્રયાણ કર્યું છે. વિશ્વના યુવાઓ સાથે ગુજરાતનો યુવા આંખ મેળવી શકે તે પ્રકારની કામગીરી કરે તે વડાપ્રધાનનું સ્વપ્ન છે. તજજ્ઞતા પ્રાપ્ત કરવા માટે આજે ગુજરાતમાં 55થી વધુ યુનિવર્સિટીઓ વડાપ્રધાનના વિઝનને લીધે કાર્યરત છે. રિસર્ચ અને ઇનોવેશનને વેગ આપી ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ ડેવલોપમેન્ટનો રોડ મેપ તૈયાર કર્યો છે.