પાટણ: લોકલ ટ્રાન્સમિશનના કારણે પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ-19ના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી વધુ 70 બેડ સાથેની આઈસોલેશન વ્યવસ્થાની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા હતા.
ઉત્તર ગુજરાતની સૌપ્રથમ કોવિડ-19 ટેસ્ટ લેબ ધરાવતી અને જિલ્લાની મુખ્ય ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ એવી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે હાલ 100 બૅડની વ્યવસ્થા છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે વધી રહેલા કોવિડ-19ના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વધુ 70 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.