- પાટણમાં પોલીસે યુવાનોને મુઢ માર મારતા મામલો બિચક્યો
- કોંગ્રેસ અને કિસાન સેનાના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં કર્યા ધરણાં
- કોંગ્રેસના બન્ને ધારાસભ્યો પોલીસ મથકે દોડી આવ્યા
પાટણઃ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાસ કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે મંગળવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાટણ શહેરમાં નિકુંજના નામનો યુવાન તેના 2 મિત્રો પોતાના સંબંધીના ખેતરે સવારના સમયે ગયા હતા. આ ત્રણેય મિત્રો બપોર બાદ ઘરે પરત આવી રહ્યા હતા. આ સમયે માખણીયા નજીક પાટણ કુણઘેર હાઈવે રોડ ઉપર ટાયરો સળગતા હતા અને તે જ સમયે 2 બાઈક ઉપર પોલીસ આવી ચડતાં તે જોઈ આ યુવાનો નાસી ગયા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી ટાયર સળગાવવાની કબૂલાત કરવા પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે આ ત્રણેય યુવાનોને ઢોર માર માર્યો હતો. આ બાબતની જાણ પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા કોંગ્રેસ અને કિસાન સેનાના કાર્યકરોને થતાં તે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસના અત્યાચાર સામે ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ તેમણે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની માગ કરી હતી.