- ગાજરના ઉત્પાદન માટે પાટણની જમીન અનુકૂળ
- અનૂકૂળ આબોહવાને કારણે ઉત્તમ ગુણવતાના ગાજરનું ઉત્પાદન
- પાટણના ગાજરની માંગ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી
- ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવ ઘટ્યા
પાટણઃ પ્રતિવર્ષ જિલ્લાના ખેડૂતો રવી સીઝનમાં ગાજરનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. આ વિસ્તારની જમીન ગાજરના ઉત્પાદન માટે અનુકૂળ હોવાથી લાલચટક ગાજરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જે ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાં પણ તેની માંગ રહે છે. ખાસ કરીને આ લાલચટ્ટાક ગાજર દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં ટ્રકો ભરીને મોકલવામાં આવે છે.
ચાલુ વર્ષે ગાજરના ભાવમા ઘટાડો
આ વર્ષે પણ સારા વરસાદ અને અનુકૂળ હવામાનને કારણે ઉત્તમ ગુણવતાના ગાજરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પાટણની બજારોમાં મોટા પ્રમાણમાં ગાજરની આવક શરૂ થઈ છે. ત્યારે યોગ્ય ભાવ મળશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ તે ખોટી ફરી છે. ગત વર્ષે શરૂઆતમાં 400 થી 500 રૂપિયાના મણના ભાવ હતા. પરંતુ આ વર્ષે ગાજરના ભાવો ગગડ્યા છે. હાલમાં પાટણ માર્કેટમાં ખેડૂતોને 180 થી 240 રૂપિયાના મણના ભાવ મળે છે. પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યુ છે.