પાટણ: સાંતલપુર તાલુકાના ઝકડા ગામ નજીકથી પસાર થતી જરુસા માઈનોર -1 કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલમાં પાંચ ફુટ મોટું ગાબડું પડ્યું હતું . કેનાલમાં ગાબડું પડતાં કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું .
અહીં ખેતર ધરાવતા ખેડૂત મથાભાઈ નારણભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર જાપા માઈનોર -1 કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે જેના કારણે છેલ્લા ત્રણેક વરસથી કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે અમારા ખેતર નજીક કેનાલમાં ગાબડા પડે છે જેના કારણે અમારે નુકશાની વેઠવી પડે છે .
કેનાલના કામોમાં ગુણવત્તા ન જળવાઈ હોવાને કારણે ત્રણેક વરસથી જર્જરીત થયેલી કેનાલ બાબતે નિગમના તમામ અધિકારીઓને લેખીતમાં રજુઆત કરી હોવા છતા નિગમના અધિકારીઓ દ્વારા આજસુધી કેનાલના રીપેરીંગ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ગાબડાં પડતાં ખેડૂતોના પાકને નુકશાન થાય છે.
રણને અડીને આવેલા સાંતલપુર તાલુકામાં વરસાદ ઓછો પડતો હોવાને કારણે સરકારે સિંચાઇ માટે નર્મદાની કેનાલો બનાવી છે પરંતુ નર્મદા નિગમ દ્વારા તાલુકામાં બનાવવામાં આવેલ કેનાલોમાં વખતો વખત પડતા ગાબડાને કારણે આ વિસ્તારના ખેડૂતો માટે નર્મદાની કેનાલો અભિશાપ બનવા પામી છે . કેનાલના સમારકામ માટે ત્રણ વરસથી રજુઆતો કરવા છતા જાપા માઈનોર કેનાલની કામગીરીમાં આચરવામાં આવેલી ગેરરીતીને કારણે છેલ્લા કેટલાય વરસથી કેનાલ જર્જરીત થવા પામી છે . જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે મોટા મોટા ગાબડા પડવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થાય છે.