- યુનિવર્સિટી ખાતે રમત ગમત એકેડેમીની બેઠક મળી
- વર્ષ 2021-22 નું રૂપિયા 1.51 લાખનુ બજેટ મંજુર
- યુનિવર્સિટીએ રમત ગમત ફીમાં 20 વર્ષ બાદ કર્યો વધારો
પાટણ: યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે મળેલી બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2021-22 નું બોર્ડ ઓફ સ્પોર્ટ્સનું રૂપિયા 1.51 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આંતર કોલેજ રમતોત્સવ બંધ છે. જે રમતોત્સવ પુનઃ શરૂ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં દિવાળી પછી એથલેટીક રમતોનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ આંતરકોલેજ રમોતોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મળી બેઠક કોલેજ કક્ષાએ 15 અને યુનિવર્સિટી કક્ષાએ 10 રૂપિયાનો કરાયો વધારો
આ ઉપરાંત ગરીબ ખેલાડીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા અંગે પણ ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. કોલેજ કક્ષાએ તેમજ યુનિવર્સિટી કક્ષાએ છેલ્લા 20 વર્ષથી રમત ગમતની ફીમાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીઓને રમતગમતમાં સારી સુવિધાઓ મળી રહે તે માટે કોલેજ કક્ષાએ રમત-ગમતની ફી 35 હતી તે વધારીને 50 રૂપિયા તેમજ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષા રૂપિયા 20 ના બદલે 30 અને અનુસ્નાતક કક્ષાએ 30 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયા ફીનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે કોલેજ કક્ષાએ 15 રૂપિયા અને યુનિવર્સિટી કક્ષાએ 10 રૂપિયાનો ફી વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં ઓલિમ્પિકમાં સમાવેશ કરાયેલી શૂટિંગ, ફેન્સીંગ, ટેકવોન્ડો અને જિમ્નાસ્ટિક જેવી ચાર રમતોનો યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મળી બેઠક હવેથી વિજેતા ટીમોને દર વર્ષે નવી ટ્રોફી અપાશે
યુનિવર્સિટી કક્ષાએ અગાઉ વિજેતા થયેલી ટીમોને રોલિંગ ટ્રોફી આપવામાં આવતી હતી. જે દર વર્ષે અન્ય વિજેતા ટીમને પરત આપવી પડી હતી પરંતુ યુનિવર્સિટીના નવા એકેડેમિક વર્ષ 2022- 23 માં દર વર્ષે વિજેતા ટીમને નવી ટ્રોફી આપવા તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પણ મેડલ કે નાની ટ્રોફી આપવાની ભલામણ કરવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં લેવાયેલા નિર્ણયો યુનિવર્સિટીના નવા એકેડેમિક વર્ષ 2022- 23 થી અમલ થશે તેમ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તથા બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય સચિવ ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.