- કોરોના રસી લેવા પાટણ શહેરમાં જોવા મળી ઉદાસીનતા
- સાડા ત્રણ મહિનામાં 42% રસીકરણ થયું
- 1,28,000ના ટાર્ગેટ સામે 40 હજાર લોકોએ લીધી રસી
પાટણઃ કોરોના સંક્રમણથી બચવા રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે આ અંતર્ગત પ્રત્યેક લોકો રસી લે તે માટે રસીકરણ મફત કર્યું છે. તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો રસી લઇ કોરોનાથી સુરક્ષિત બને તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં પ્રથમ સિનિયર સિટીઝન્સ અને ત્યારબાદ આધેડ વયના લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 1લી માર્ચથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનમાં શહેરમાં 1 લાખ 28 હજાર લોકોના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 40 હજાર લોકોએ જ રસી લેતા 42% રસીકરણ થયું છે. જેમાં 36 હજાર લોકોએ પ્રથમ ડોઝ અને 16 હજાર લોકોએ બંને ડોઝ લીધા છે.
યુવાનોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો
બીજી બાજુ શહેરના યુવાનોમાં રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં 18 વર્ષથી 44 વર્ષના યુવાનોને શહેરના 5 સેન્ટરોમાં રજીસ્ટ્રેશન દ્વારા રસી આપવામાં આવી રહી છે. દરેક સેન્ટર ઉપર 200નું રજીસ્ટ્રેશન થાય છે. અત્યાર સુધીમાં 4 હજાર 120 જેટલા યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જેમાં કેટલાક યુવાનો રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લેવા આવતા નથી. ત્યારે આવા યુવાનોને ફોન કરી બોલાવવામાં આવે છે. છતાં તેઓ ન આવે તો તેઓના પછીના ક્રમને બોલાવી રસી આપવામાં આવી રહી છે.