ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, કુલ 112 લોકોએ કોરોનાને માત આપી

પાટણ શહેરમાં એક અને બાલીસણામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પાટણ જિલ્લામાં કોરોના કેસ કુલ 168 અને શહેરના 77 કેસ નોંધાયા છે. જ્યારે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય બે દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પાટણ
પાટણ

By

Published : Jun 27, 2020, 7:42 PM IST

પાટણ: શહેર સહિત જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે શનિવારે પાટણ અને બાલીસણામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતા પાટણ જિલ્લામાં કોરોના કેસની કુસ સંખ્યા 168 અને શહેરમાં 77 પર પહોંચી છે.

બીજી તરફ કોરોનાથી સ્વસ્થ થતા લોકોનો આંકડો પણ વધી રહ્યો છે. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય બે દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં શનિવારે નોંધાયેલા બે કોરોના પોઝિટિવ કેસોમાં પાટણના અંબાજી નેળીયામા આવેલા જગન્નાથ બંગલોમાં રહેતા 60 વર્ષિય પટેલ મોહનભાઇ અને બાલીસણા ગામના 48 વર્ષિય શેખ મુનાફભાઈને કોરોનાના લક્ષણો દેખાતાં બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે કોરોના પોઝિટિવ આવ્યા હતા.

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી તેમજ શહેરના ખીજડાની પોળમાં રહેતા 70 વર્ષિય મહિલા અને રાજવંશી બંગ્લોઝમાં રહેતા 54 વર્ષિય પુરુષે કોરોનાને માત આપી સ્વસ્થ થતાં ત્રણેય દર્દીઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 112 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

જો કે પાટણમાં સતત વધી રહેલા પોઝિટિવ દર્દીઓ અને મૃત્યુઆંકની અસર પ્રજાના માનસ ઉપર પડી છે. ગતરોજ એક સાથે આઠ પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા બાદ શહેરીજનો પર તેની અસર પડી હોય તેમ બજારોમાં ચહલપહલમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.


ABOUT THE AUTHOR

...view details