ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા કેનાલમાં પાણી ચોરીનું કૌભાંડ આવ્યું સામે, તપાસના આદેશ અપાયા - GUJARATI NEWS

પંચમહાલ: રાજ્યભરમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાણીની યોજનાઓ મારફતે સિંચાઈનું પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

panchmahal

By

Published : May 7, 2019, 1:43 PM IST

રાજ્યભરમાં હાલ પાણીની સમસ્યા વકરી છે, પાણી વિના અનેક લોકો વલખા મારી રહ્યા છે. બીજી તરફ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા પણ પ્રજાને પાણીનો બગાડ ન કરવા માટે સુચન કરાયું છે. પરંતુ આ સુચન તંત્રના અધિકારીઓ અને પાણીના ચોરોને જાણે લાગુ પડતું જ નથી. કારણ એ છે કે, રાજ્યની જીવાદોરી એવા નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી થતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય કેનાલ પંચમહાલ જિલ્લાના ટુવા ગામ પાસેથી પસાર થાય છે અને ત્યાંથી પાણી ચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે.

નર્મદા કેનાલમાં પાણી ચોરીનું કૌભાંડ સામે આવતા તપાસના આદેશ અપાયા

નર્મદાની મુખ્ય કેનાલમાં પંક્ચર કરી પાઈપ લગાવીને પાણીનું લીફટીંગ કરીને પાણી ચોરો દ્વારા ચોરી કરવામાં આવતી હતી. લીફ્ટ કરેલા આ પાણીને કેનાલની બાજુમાં જ બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એકઠું કરવામાં આવતું હતું. નર્મદા કેનાલ ઓથોરીટી દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, મોટા મોટા દાવા કરવામાં આવે છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીની ચોરી અટકાવવા માટે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવે છે, ત્યારે આ પાણી ચોરીની ઘટના આ તમામ દાવાઓને પોકળ સાબિત કરે છે. પ્રસાર માધ્યમોમાં સમગ્ર ઘટના પ્રસારિત થતાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું હતું અને પંચમહાલ જિલ્લાના અધિક કલેકટર દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસના આદેશ આપ્યા હતા.

જિલ્લાના અધિક કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ નર્મદા મુખ્ય કેનાલ ઓથોરીટીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, ઘટના સ્થળ પર પહોંચેલા નર્મદા મુખ્ય કેનાલના અધિકારીઓ દ્વારા કેનાલને પંક્ચર કરીને પાણીની ચોરી માટે જે પાઈપ લગાવવામાં આવી હતી, તેને દુર કરવામાં આવી હતી. આ ઉપરાંત, પંક્ચરને પુરી દેવા સહિતની કામગીરી શરુ કરી હતી અને પાણીની ચોરી અટકાવી હતી. હાલ તો નર્મદા ઓથોરીટી દ્વારા પાણીની ચોરીને અટકાવી દેવામાં આવી છે, કેનાલ સત્તાધારીઓની ગંભીર બેદરકારીના કારણે જે પાણી ચોરાયું તેના માટે જવાબદાર એવા નર્મદાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? પાણીની ચોરી કરતા અને કૃત્રિમ તળાવ બનાવી તેમાં ચોરીના પાણીનો સંગ્રહ કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? પાણી ચોરો દ્વારા આ પ્રકારે કેટલા સમયથી પાણીની ચોરી થતી હતી? તે યક્ષ પ્રશ્ન છે.

ABOUT THE AUTHOR

...view details