ગુજરાત

gujarat

ETV Bharat / state

આ બોક્સરને વધારવું છે દેશનું ગૌરવ, શું છે મુશ્કેલી? વાંચો રાષ્ટ્રીય રમત દિવસે આ વિશેષ અહેવાલમાં...

પંચમહાલઃ પી. વી. સિંધુએ દેશ માટે 'બેંડમીંન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચેંપિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ ર્સજ્યો છે. જે ભારતીય રમતક્ષેત્ર માટે ગૌરવની વાત છે. આ સુવર્ણ તકને હજુ ગણતરીના કલાકો જ વિત્યા છે, ત્યારે ભારત આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરશે. ભારતે તમામ રમતોમાં દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે. ધ્યાનચંદથી લઇને સચિન તેંડુલકર તેના ઉદાહરણ છે, ત્યારે ગુજરાતના એક ખૂણામાં બોક્સરની રમતમાં કુશળતા ધરાવતો ખેલાડી પણ છે. જેણે રાજ્ય અને રાષ્ટ્રીય રમત ક્ષેત્રે પોતાના જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે અને હવે તે દેશનું નામ રોશન કરવા માટે રશિયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જવું છે, પરંતુ કઈ સ્થિતિ એવી છે જે આ યુવાનને દેશનું ગૌરવ વધારતા રોકી રહી છે, વાંચો ETV ભારતના આ વિશેષ અહેવાલમાં...

panchamahal

By

Published : Aug 29, 2019, 9:25 AM IST

સફળતાના શિખરો સર કરનારા અનેક મહાનુભાવોની સંઘર્ષગાથા હોય છે. જીવનની એ ક્ષણોમાં જો કોઈ ટેકો મળી જાય તો માણસની કળા અને કુશળતા બંને ખીલી ઉઠે છે. આવું જ એક ઉદાહરણ તાજેતરમાં રાનું મંડલના નામે સમગ્ર ભારત અને વિશ્વએ જોયું, ત્યારે આજે રાષ્ટ્રીય રમત દિવસના પર્વે બોક્સિંગની રમતમાં કુશળતા ધરાવતા ખેડૂત પુત્ર પારસ ચૌહાણની આવશ્યકતા અંગે ETV ભારત આપને અવગત કરાવી રહ્યું છે.

પંચમહાલના આ બોક્સરને વધારવું છે દેશનું ગૌરવ, પણ શું છે મુશ્કેલી? વાંચો રાષ્ટ્રીય રમત દિવસે આ વિશેષ અહેવાલ...

પંચમહાલના ગોધરા તાલુકામાં આવેલા ગોલી ગામના પારસ ચૌહાણે બોક્સરની રમતને નાનપણથી જ પોતાનામાં સમાવી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી ખેલમહાકુંભ સ્પર્ધા અંતર્ગત બોક્સિંગની સ્પર્ધામાં અમદાવાદ ખાતે ભાગ લીધો હતો, ત્યારબાદ રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી સિદ્ધી હાંસલ કરી હતી. ઉપરાંત નેશનલ મિક્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018, યુનાઈટેડ નેશનલ ગેમ્સ 2019, ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ દિલ્હી 2018, ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બોક્સિંગ સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો હતો. વળી, હાલમાં જ સ્ટુડન્ટસ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા હરિયાણામાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો. જેને અનુસંધાને રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન પારસ ચૌહાણનું સન્માન કર્યુ હતુ.

હવે પારસને રશિયા ખાતે સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ ગેમ્સમાં ભાગ લેવાની તક મળી છે. પરંતુ તેને ત્યાં સુધી પહોંચવામાં આર્થિક મુશ્કેલી વિઘ્નરૂપ બની રહી છે. તેના પિતા સામાન્ય ખેડૂત છે અને પારસ હાલ કાકણપુરની કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહ્યો છે. જેથી તેના રશિયાના પ્રવાસનો ખર્ચ તેને પરવળે તેમ નથી. આગામી 8થી 14 સપ્ટેમ્બર સુધી આ સ્પર્ધા યોજાનાર છે, જ્યાં સુધી પહોંચવા માટેની અગવડતાને સંદર્ભે પારસ અને તેના પિતા મૂંઝવણ અનુભવી રહ્યાં છે, ત્યારે બીજીતરફ રાજ્ય સરકાર ખેલ મહાકુંભના નામે કરોડો રૂપિયાનો વ્યય કરી રહી છે. એટલે કે રાજ્ય સરકારન આ કુશળતા ધરાવતા રમતવીરોનું સાચુ સન્માન કરવામાં કેટલાક અંશે નિષ્ફળ ગઈ છે. ત્યારે સામાન્ય નાગરિક અને દેશના સાચા રાષ્ટ્રપ્રેમી તરીકે કોણ પારસ ચૌહાણનો હાથ પકડશે, તે જોવું રહ્યું.

29 ઑગસ્ટે કેમ ઉજવાય છે રાષ્ટ્રીય રમત દિવસ?
ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે અને હોકીનું નામ પડે એટલે ધ્યાનચંદ સિવાય અન્ય કોઈ નામ નજર સમક્ષ આવે જ નહીં. હોકીની રમતના બેતાજ બાદશાહ મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટને 1905માં થયો હતો. જેમની યાદમાં ભારત સરકારે 29 ઑગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસના રૂપે ઉજવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે ફિટ ઇન્ડિયા મુમેન્ટ કાર્યક્રમનું પણ લોન્ચિંગ કરશે.

ABOUT THE AUTHOR

...view details