પ્રાપ્ત વિગતો પ્રમાણે, પ્રફુલ પુંજાભાઈ વણકર હાલમાં પંચમહાલ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રભારી તરીકે કાર્યરત છે. થોડા દિવસોથી પ્રફુલભાઈ વણકર તેમના નરસાણા ગામમાં તેમના પરિવારજનો સાથે ઉપવાસ પર બેઠા છે. પ્રફુલ વણકરના પિતા પુંજાભાઈ કોંગ્રેસના કાર્યકર હતા, અને ઇન્દિરા ગાંધીની જે તે સમયે હાર થતા તેમને મોટો આઘાત લાગતા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 1989માં પ્રફુલભાઈ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાયા હતા. તે સમયે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી નોકરી અથવા આર્થિક સહાયની માંગ કરી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએ રજૂઆત ન સાંભળવામાં આવતા તેમને 2010માં કોંગ્રેસમાંથી છેડો ફાડી બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા.
બસપા પાર્ટીના પ્રભારી કોંગ્રેસ પાસે આર્થિક સહાયની માગ સાથે ઉપવાસ પર ઉતર્યા
પંચમહાલઃ વર્ષો પહેલા કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે પૂજાભાઈ વણકરે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હાર થતા આઘાત લાગતા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેમના પુત્ર પ્રફુલભાઈએ આર્થિક સહાયની માગણી કરી હતી, પરંતુ કોઇ સહાય ન મળતાં બહુજન સમાજ પાર્ટીના પ્રભારી પ્રફુલભાઈ વણકર ઉપવાસ પર બેઠા છે.
પ્રફુલભાઈએ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા બાદ પણ કોંગ્રેસની સામે પોતાની માગો આજે પણ યથાવત રાખી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આગલા દિવસે શહેરામાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે પ્રફુલભાઈએ મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો હતો, જેના વળતાં જવાબમાં મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી પ્રફુલભાઈ આત્મવિલોપનનું પગલું ન ભરે તે માટે તંત્રને તકેદારીના પગલાં ભરવાનું પત્રમાં કહેવામાં આવ્યું છે.
હાલ ચૂંટણીના માહોલ વચ્ચે પણ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી કોંગ્રેસની પાસે આર્થિક સહાયની આશા સેવી રહ્યા છે, તે મુદ્દો પંચમહાલના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.