પંચમહાલ : હાલ કોરોનાની મહામારીને લઈને દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, ત્યારે આ લોકડાઉનને લઈને બ્લડ બેન્કોમાં રક્ત દાતાઓની સંખ્યા ઓછી થતા બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જવા પામી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં હાલના સમયમાં રોજીંદી 50 યુનિટ રક્તની માંગ સામે બ્લડ બેંક પાસે માત્ર 200 યુનિટ જ રક્ત છે. તેથી ગોધરાના પત્રકારો અને સ્થાનિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
ગોધરાના પત્રકારો સહિત સ્થાનિકોએ કર્યું રક્તદાન
હાલ લોકડાઉનની સ્થિતિને લઈને અનેક એવા પ્રકલ્પો છે જેને માઠી અસર પહોંચી છે, ત્યારે રાજ્યમાં આવેલી બ્લડ બેન્કોની સ્થિતિ બ્લડ ડોનેશન ઓછું થવાને લઈને પણ હાલ નાજુક બનવા પામી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં પણ બ્લડ યુનિટની હાલની માંગ સામે ઓછા બ્લડ યુનિટનો જથ્થો છે. આજે ગોધરાના મીડિયાકર્મીઓ તેમજ ગોધરાના નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં થેલેસીમિયા તેમજ સગર્ભા સ્ત્રી માટે હાલ રક્તની રોજીંદી વધુ પડતી જરૂરીયાતને પહોંચી શકાય તે માટે ગોધરા ખાતે રવિવારના રોજ ગોધરાના મીડિયાકર્મીઓ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા 50 યુનિટ ઉપરાંતનું રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન માટે ફાળવવામાં આવેલા અલગ-અલગ સમય પ્રમાણે મીડિયાકર્મીઓ તેમજ નાગરિકોએ બ્લડ બેંક પર પહોંચી રક્તદાન કરી આજના આ કપરા સમયમાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મીડિયાકર્મીઓ તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલા રક્તદાનને બિરદાવ્યું હતું.