પંચમહાલ : ગુજરાત રાજ્યમાં આવેલા જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે કેટલીક જગ્યાઓ પર વિરોધના સુર ઉઠ્યા હતા. પંચમહાલ જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા શાળાઓને મર્જ કરવામાં વાલી અને વિધાર્થીઓનો સહકાર મળી રહ્યો છે. હાલમાં જિલ્લામાં આવેલી કુમાર અને કન્યા શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લામાં આવેલી 45 પૈકી 20 શાળાને કરાઇ મર્જ - શિક્ષણ વિભાગ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રના ભાગરૂપે શાળાઓ મર્જ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલી 45 કુમાર કન્યા શાળાઓ પૈકીની 20 શાળાઓ મર્જ કરવામાં આવી છે. આ શાળાઓના મર્જ કરવાથી શાળાની શિક્ષણની પદ્ધતિમાં સુધારો થવાની સાથે ભૌતિક સુવિધામાં પણ વધારો થશે તેવુ જિલ્લા શિક્ષણ વિભાગનું કહેવું છે.
જિલ્લાના શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ પંચમહાલમાં 45 જેટલી કુમાર અને કન્યાઓ આવેલી છે. જેમાંથી 20 જેટલી કુમાર અને કન્યા શાળાઓને મર્જ કરવામાં આવી છે. આ અંગે પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ જણાવ્યું કે 20 જેટલી કુમાર અને કન્યા શાળાઓનું મર્જ કરીને તેમનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓ, નાગરિકો, SMC સભ્યોનો સહકાર મળી રહ્યો છે. શાળા મર્જ કરવાથી થતા લાભ બાબતે તેમને ઉમેર્યુ હતું કે તેનાથી તાસ પદ્ધતિ અને પ્રજ્ઞાવર્ગનું અમલીકરણમાં થશે. ગ્રાન્ટમાં વધારો થવાથી ભૌતિક સુવિધામાં પણ વધારો થશે.