પંચમહાલના ડેરોલ ગામમાં વર્ષોથી પારંપરિક રીતે માટલી ગરબા યોજાય છે. ઘણા વર્ષોથી યોજાતા આ ગરબાની વિશેષતા એ છે કે, તે દશેરાની રાત્રીએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરે માનેલી માનતા પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ માતાજીને 11થી લઈને 101 જેટલા ગરબા ચડાવતા હોય છે.
મહિલાઓ અને પુરુષો પરંપરા મુજબ માથે માટલી મુકીને ગરબે ઘૂમે છે, અહીં ગરબાની સાથે સાથે આદ્યશક્તિ માઁ અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે. શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી રહીં છે. તેઓને ગૌરવ છે કે, ડેરોલ ગામે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. અહીં આસ-પાસના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મુકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે ગરબાને માથે મૂકી ગરબે ઘૂમે છે.