શહેરાનગરના અણીયાદ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ગોધરા તરફથી આવતી એક ઇન્ડીગો કારચાલક બેફામ રીતે કાર હંકારતો હતો. કાર પર કાબૂ ગુમાવતાં સિંધી ચોકડી પાસે ઉભી રહેલી એક ફ્રૂટની લારી અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતાં. ઈજાગ્રસ્ત ચાર લોકોને શહેરા રેફરલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગોધરા સિવીલ હૉસ્પીટલ ખાતે ખસેડયા હતાં.
પંચમહાલના શહેરામાં હીટ એન્ડ રન, ચાર ઈજાગ્રસ્ત
પંચમહાલઃ જિલ્લાના શહેરાનગરની સિંધી ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. એક ઇન્ડીગો કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારતા ફ્રૂટ વેચનાર અને અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતાં. હાલ, કારચાલક ફરાર છે. પરંતુ, કારમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓને સ્થાનિકોએ પકડી પાડ્યા હતાં. ઈજાગ્રસ્તોને 108 મારફતે શહેરા રેફરલ અને ત્યાંથી ગોધરા સિવીલ ખાતે ખસેડાયા હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી, ત્યારબાદ ઇન્ડીગોકારમાં સવાર ત્રણ વ્યક્તિને શહેરા પોલીસ સ્ટેશન લવાયા હતાં.
કાર પૂરજોશમાં એક વીજ થાંભલા સાથે અથડાતા વીજથાંભલો તુટી જતાં નમી પડ્યો હતો. તે દરમિયાન કારચાલકે ભીડનો ફાયદો ઉઠાવી ફરાર થઇ ગયો હતો. પરંતુ, કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને સ્થાનિકોએ પકડી પાડ્યા હતાં, ત્યારબાદ શહેરા પોલીસને જાણ કરાતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી પકડાયેલાં ત્રણ વ્યક્તિઓ સહિત ફરાર આરોપી જુનાખેડા ગામના છે. જે પૈકી એક કોઠા ગામનો મૂળ રહેવાસી અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. આ આર્મી જવાન રજા પર આવ્યો હોવાથી તેને ઘરે લેવા ગોધરા રેલ્વે સ્ટેશને ગયા હતાં. તેઓ રેલવે સ્ટેશનથી પરત ફરતી વખતે કોઠા ગામ તરફ જતાં હતાં, ત્યારે આ ઘટના બની હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.