મહીસાગર: લુણાવાડા તાલુકાના ડોકેલાવ ગામે એક ઘરમાંથી પતિ-પત્નીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાએ સમગ્ર ગામમાં અરેરાટી મચાવી દીધી છે. મૃતક પતિનું નામ મહેશ વણકર છે, જ્યારે પત્નીનું અંજનાબેન ઉર્ફે શિલ્પાબેન છે જેઓ લુણાવાડા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં. શિલ્પાબેન તેના પતિ સાથે તેમના પિયરમાં જ રહેતા હતાં. શિલ્પાબેન ગઈકાલે તેમની ફરજ પૂર્ણ કરીને ઘરે ગયા હતા અને પછી અચાનક જ તેમના મૃત્યુંના સમાચાર સામે આવ્યાં. પ્રાથમિક દ્રષ્ટીએ દંપત્તીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
શિલ્પાબેનના પરિવારજનોનો આરોપ: મૃતક શિલ્પાબેનના પરિવારજનોનો આરોપ છે કે, શિલ્પાના પતિ મહેશે રવિવારની રાતે ઘરના બારી દરવાજા બંધ કરી પહેલાં શિલ્પાનું દોરી વડે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં સમાજ અને પરીવાર શુ કહેશે તેની બીક લાગતા જાતે પણ આપઘાત કરી લીધો. મૃતક શિલ્પાબેનના પરિવારજનોનું કહેવું છે કે, તેનો પતિ મૃતક મહેશ તેમની દીકરી શિલ્પાને દારૂ પીઈને ખૂબ માર મારતો અને હેરાન પરેશાન કરતો હતો. જોકે કરૂણતા એ છે, દંપતીના આપઘાતથી તેનું 14 માસનું બાળક અનાથ બની ગયું છે.