પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોરવા હડફ તાલુકાના મોરા ગામના સબયાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગુજરાત ઘેટા અને ઉન વિભાગના અધ્યક્ષ અમરસિંહ ખાભલીયા ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી દિવસની ઉજવણી ગફુલી નૃત્યની રમઝટ બોલાવી કરાઇ આદીવાસી સમાજ ઉપરની એક દસ્તાવેજી ફિલ્મ બતાવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજને આપવામાં આવતી વિવિધ સરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમા અંબાજીથી ઉમરગામ સુધી રહેતા નવ લાખ આદિવાસી સમાજનું ગુજરાતના વિકાસમાં યોગદાન રહેલું છે. દેશની આઝાદીની લડતમાં આદિવાસીઓનું પણ યોગદાન છે.
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, આઝાદીની લડતમાં આદિવાસી સમાજના લડવૈયાઓએ આપેલી કુરબાનીને યાદ કરવાનો આ દિવસ છે. કાશ્મીર મામલે તેમણે જણાવ્યું કે, જે કાશ્મીર પણ વિકાસ ઝંખતું હતું પણ કેટલાક અલગાવાદી તત્વોને કારણે 370 કલમ નહોતા નાબૂદ કરી શક્યા. ગુજરાતના પનોતા પુત્રએ કરી બતાવ્યું. તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ ધોતી, કોટી, ફાળીયું,સાફો, સાથે હાથમાં તલવાર અને તીરકામઠા સાથે પોતાના વાદ્યો ઢોલ, નગારા, સાથે શરણાઈ અને ડબૂડી (તબલા જેવુ વાદ્ય) લઇને ગફુલી નૃત્યની રમઝટ જમાવી હતી.