- ઘોંઘબા તાલુકાના કાલસર ગામના યુવાન પર ફાયરિંગનો નવો વળાંક
- યુવાને જાતે ફાયરિંગ કર્યુ હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યું
- ઘરકંકાસથી ત્રાસીને યુવાને ફાયરિંગ કર્યું હતું
પંચમહાલ :જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાલસર ગામમાં ડેપ્યુટી સરપંચ હરીસિંગ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે ચર્ચા રહી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે જિલ્લા LCB અને SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં તપાસમાં કંઇક અલગ વાત બહાર આવી હતી. જેમાં યુવાને જાતે ઘરકંકાસથી ત્રાસીને ફાયરિંગ કર્યું હોવાની વિગતો બહાર આવી હતી. જિલ્લા SP ડૉ.લીના પાટીલે આ બાબતે પત્રકારોને વિગતો આપી હતી.
પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
અનિલ રાઠવાને કાર્ટીસ ભરી પોતાના ઘર કંકાસથી કંટાળી પોતાની જાતે જ તમચા વડે પોતાના ઉપર ફાયરિંગ કરતા છાતીમાં જમણી બાજુએ ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયેલ અને લોહી નીકળેલું હતું. જે લોહી તેના પિતા હરીસિંગ રાઠવાએ કંતાનના કોથળા તથા જૂના કાપડના ટુકડા વડે લુછી ઓસરીની ફરસ પાણીથી ઘોઇ નાંખી તમંચો પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં આવેલા ઉકરડામા દાટી પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ તે ફાયરીગના બનાવ બાબતે પોલીસને માહિતી પુરી પાડવા બંધાયેલા હોવા છતા માહિતી પુરી ન પાડી અને અજાણ્યા ત્રણ ઇસમોએ ફાયરિંગ કરી ઇજા પહોચાડેલી હોવાની ખોટી હકીકત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.