કાલોલના નાંદરખા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં નિત્ય ક્રમ મુજબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતાતે દરમિયાન નજીકમાં આવેલી કુશા કેમિકલ નામની કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થતા શાળામાં હાજર વિધાર્થીઓ પર આ દુર્ગંધથી ઝેરી ગેસની અસર થતા કેટલાક વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી જેવી શારીરિક તકલીફો થઇ ગઈ હતી. જયારે કેટલાક વિદ્યાર્થીઓ અર્ધબેભાન અવસ્થામાં પણ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા.
ઝેરી ગેસ લીક થતા 40થી વધુ બાળકોને અસર શાળામાં હાજર 40થી વધુ વિદ્યાર્થીઓ ગેસની અસરમાં આવ્યા હતા અને વધારે અસરગ્રસ્ત 10થી વધુ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ વાયુ વેગે સમગ્ર ગામમાં ફેલાતા ગામ લોકોના ટોળેટોળા નાંદરખા પ્રાથમિક શાળાએથી સીધા નજીકમાં આવેલી કુશા કેમિકલ નામની કંપની પર ધસી આવ્યા હતા અને આ ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કંપનીના પ્રવેશ દ્વાર પર તોડફોડ કરી હતી.
ઘટનાની ગંભીરતાની જાણ થતા સ્થાનિક વેજલપુર પોલીસ સહીત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાંદરખા ગામના ગ્રામજનો અને વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે અવાર-નવાર કુશા કેમિકલ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવે છે અને તેને લીધે ગ્રામજનોના આરોગ્ય પર વિપરીત અસરો થાય છે.
ગ્રામજનોને આ ઝેરી ગેસને લીધે આંખોમાં બળતરા થવી, ચામડી લાલ થઇ થવી, માથું દુખવું અને ઝાડા, ઉલટીસહીતની આરોગ્યને લગતી અવાર-નવાર તકલીફો થાય છે.
બાળકીઓને માથાના વાળ ઉતરી જવા સુધીની સમસ્યાઓ ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી વેઠી રહ્યા છે. એટલે સુધી કે આ ગામના જળસ્તર પણ પ્રદુષિત બન્યા છે અને પીવાનું પાણી પણ બોર હેન્ડ પમ્પમાંથી પીળા કલરનું થઇ ગયું છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગોધરા વડોદરા હાઈવે પર આવેલી કુશા કેમિકલ કંપનીના ગેસ લીકેજની ઘટનાને પગલે પોલીસના કાફલા સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ફેક્ટરી ઇન્સ્પેકટર, પ્રાંત અધિકારી સહીતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કંપનીના જે ડિપાર્ટમેન્ટ માંથી ગેસ લીકેજ થયો હતો તે જગ્યાનું નિરીક્ષણ કરી ફેક્ટરી ઇન્સ્પેકટરને રિપોર્ટ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જે ગેસ લીકેજ થયો હતો તે સલ્ફર નામનો ગેસ હોવાનું જણાઈ આવ્યું હતું. અસરગ્રસ્ત બાળકોને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.