સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સિગારેટ, બીડી તેમજ તમાકુ સહિતના અન્ય પદાર્થોનું વ્યસન માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે. તો આ વાત તદ્દન ખોટી છે. કેમ કે આ વ્યસનો મહિલાઓમાં પણ જોવા મળે છે. જેને એક ગંભીર બાબત ગણી શકાય. આ પદાર્થોની સેવનથી માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ સામાજિક પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે.
પંચમહાલના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામમાં આલ્ફા હીલિંગ સેન્ટર (નશા મુક્તકેન્દ્ર) ખાતે મનોરોગ-ચિકિત્સક અન વ્યસનમુક્તિ નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડૉ.પાર્થ સોનીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, "ભારતમાં અંદાજે 4.5 કરોડ લોકોને તમાકુનું વ્યસન છે. આ ખરેખર એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે તમાકુના સેવનને કારણે 10 લાખ લોકોના મૃત્યુ થાય છે. તમાકુનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે. જેમાં સિગરેટ અને બીડી ઉપયોગ કરવામાં આવે છે અને પાન, મસાલા, ગુટકામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. તમાકુના વ્યસનથી જીવનના 15 વર્ષ ઘટી જાય છે. એક બીડી છથી સાત મિનિટનો જીવનનો ઘટાડો કરે છે. તમાકુ શરીરના તમામ અંગોને નુકસાન કરે છે. શરીરમાં થતાં 40 ટકા કેન્સર તમાકુને કારણે થાય છે. અહીં પંચમહાલ જિલ્લાની વાત કરવા માટે બે પુરુષોમાંથી એક અને પાંચ મહિલાઓમાંથી એક મહિલાને તમાકુની પદાર્થોનું વ્યસન જોવા મળે છે. આ બધા તમાકુના વ્યસનથી દૂર થઇ શકાય છે. જેમાં જિલ્લાના સરકારી દવાખાના વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર કરી શકાય છે. વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી"