- માતા-પિતા બેદરકાર બનતા, બાળકી બેડરૂમની બારીમાંથી નીચે પડી
- ઉંચાઈ પરથી નીચે પટકાયા બાદ પણ બાળકીને માથામાં ઇજા નહીં
- સિન્ટેક્સ ટાંકી પર પડતા પગમાં ફેક્ચર
નવસારી: ઊંચી ઈમારતોમાં રહેતા લોકોની લાપરવાહી ઘણીવાર તેમના બાળકો માટે જીવલેણ સાબિત થાય છે. એવો કિસ્સો ગત રાતે નવસારીની અગ્રવાલ કોલેજ નજીક આવેલા બંસરી રેસીડેન્સીમાં સામે આવ્યો છે. જ્યાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી રમતા-રમતા અઢી વર્ષની માસૂમ બાળકી નીચે પટકાઈ હતી. રામ રાખે એને કોણ ચાખે એ કહેવત સાચી પડી હોય તેમ બાળકીને માથામાં સામાન્ય ઈજા થઇ હતી અને આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો:સુરતમાં 11 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું
બેડરૂમની બારીની નજીકમાં જ હતો બેડ, રમતા રમતા નીચે પડી
મૂળ ઉત્તર પ્રદેશના અને નવસારીની અગ્રવાલ કોલેજ નજીક બંસરી રેસિડેન્સીમાં ચોથા માળે રહેતા રાહુલ શર્માની અઢી વર્ષીય દીકરી સમાયરા શર્મા ગત રોજ રાતે ઘરના બેડરૂમમાં રમી રહી હતી. દરમિયાન બારીને અડીને મુકેલા બેડ પર ચઢીને રમતી હતી. ત્યારે અચાનક ખુલ્લી બારી પાસે પહોંચી ગઈ હતી અને રમતા-રમતા ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. પરંતુ સદ્દનસીબે નીચે મૂકેલી સિન્ટેક્સ ટાંકી પર પડીને ત્યાંથી નીચે જમીન પર પટકાઈ હતી. તેથી માથામાં સામાન્ય ઈજા થતાં તેનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ નીચે પડતા જ તેના માતા-પિતા તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકીના પગમાં ફેક્ચર થયું હતું. જેથી રામ રાખે, તેને કોણ ચાખેની કહેવત સમાયરા શર્માના કેસમાં સાચી ઠરી છે.
આ પણ વાંચો:આણંદમાં પિતાએ બાળકીને ફ્લેટની ગેલેરીમાંથી નીચે લટકાવી, વીડિયો વાયરલ