- ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા કરનારા આદિવાસી યુવાનો સામે નોંધાઈ છે બાઈક ચોરીની ફરિયાદ
- ફરિયાદીની બાઈક એક વર્ષથી બિન ઉપયોગી પડી હતી
- આરોપીઓને ઓળખતો ન હતો, પણ પોલીસે ફરિયાદમાં નામ લખ્યા
નવસારી : ચીખલી પોલીસ મથક(Chikhli police station)ના શકમંદ આરોપીઓના આપઘાત બાદ નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં ફરિયાદીએ પોલીસ કાર્યવાહી સામે જ સવાલો ઉભા કરી દીધા છે. 19 જુલાઈએ બાઇક ચોરાયાના એક કલાકમાં જ બાઈક મળી ગઇ હોવા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી, પણ 23 તારીખે પોલીસે અચાનક ફરિયાદીને બોલાવી તેની વિગતો નોંધ્યા બાદ, લાઇટ જવાના કારણે સાંજે બોલાવી ફરિયાદ પર ઉતાવળે સહી કરાવ્યાના આક્ષેપો ખુદ ફરિયાદીએ જ લગાવ્યા છે. જેના કારણે મૃત્યુ બાદ શકમંદ યુવાનોની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ સામે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
આ પણ વાંચો-Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ
મૃતક યુવાનો સામે નોંધાયેલી બાઈક ચોરીની ફરિયાદ જ શંકા ઉપજાવનારી
ચીખલી પોલીસે 19 જુલાઈએ ડાંગ જિલ્લાના વઘઈ ખાતે રહેતા રવિ જાધવ અને 20 જુલાઇએ ઢોલીપાડાના સુનિલ પવારને ચોરીના ગુનામાં શકમંદ તરીકે ઉઠાવ્યા હતા, પરંતુ બન્ને શકમંદ યુવાનોએ 21 જુલાઇની વહેલી સવારે ચીખલી પોલીસ મથક(Chikhli police station)માં જ આપઘાત કરી લીધો હતો.
પોલીસે નોંધેલી બાઈક ચોરીની ફરિયાદ સામે ખુદ ફરિયાદી નરેશ રાજપૂતે વાંધો ઉઠાવ્યો
સમગ્ર પ્રકરણમાં ચીખલી પોલીસે બન્ને શકમંદ યુવાનોને પકડ્યા હોવાની પોલીસ ચોપડે કોઇ નોંધ કરી ન હતી, પરંતુ ચીખલી પોલીસે નોંધેલી બાઈક ચોરીની ફરિયાદ સામે ખુદ ફરિયાદી નરેશ રાજપૂતે(Naresh Rajput) વાંધો ઉઠાવ્યો છે. કારણ ફરિયાદમાં પોલીસે બાઈક ચોર તરીકે પોલીસ મથકમાં આપઘાત કરનાર બન્ને શકમંદ આદિવાસી યુવાનો રવિ અને સુનિલને આરોપી બતાવ્યા છે.
11 વાગ્યે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, ફરિયાદ નોંધી નહીં પણ કલાકમાં બાઈક ઓળખ કરવા બોલાવ્યા
નરેશ રાજપુત(Naresh Rajput)ના ઘરની બહારથી એક વર્ષથી બિન ઉપયોગી બાઈક ચોરાઈ હતી, પણ કોણે ચોરી હતી એની ખબર જ ન હતી. 19 જુલાઈએ બાઈક ચોરાયાની જાણ થયા બાદ નરેશ સવારે 11 વાગ્યે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયો, ત્યારે પોલીસે બાઈકની વિગત સાદા કાગળમાં નોંધી હતી, પણ ફરિયાદ લીધી ન હતી. બાદમાં અંદાજે એક કલાકમાં જ તેમને પોલીસ મથકે બોલાવી તેમની ચોરાયેલી બાઈકની ઓળખ કરાવી હતી, પરંતુ ત્યાર પછી પણ પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી ન હતી.
પોલીસે નરેશને ઉતાવળે ફરિયાદ પર સહી કરાવી લીધી હોવાના આક્ષેપ
23 જુલાઈએ પોલીસે ફરી નરેશ રાજપૂત(Naresh Rajput)ને બોલાવી તેમની પાસેથી બાઇક અને તેમની વિગતો માંગી હતી. જો કે, એજ સમયે લાઇટ જતા, પોલીસે તેમને સાંજે બોલાવ્યા હતા. સાંજે 5 વાગ્યાના સુમારે નરેશ જ્યારે ચીખલી પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની પાસે ઉતાવળે ફરિયાદ પર સહી કરાવી લીધી હોવાના આક્ષેપ ખુદ નરેશ રાજપૂતે લગાવ્યો છે.
નરેશ રાજપૂતના ઘર બહારથી બંધ બાઈક ચોરાઈ એ પણ આશ્ચર્ય..!!