નવસારી :નવસારી જિલ્લા ભુસ્તાશસ્ત્રી સહિત સર્વેયર, રોયલ્ટી ઇન્સ્પેકટર, માઇન સુપરવાઈઝર, ક્લાર્ક, ગનમેન, સિક્યુરિટી ગાર્ડ તમામની માણસો રોકી અલગ અલગ વ્હોટસએપ ગ્રુપ બનાવી જાસૂસી થાય છે. જેમાં તેઓ કેટલો સમય કચેરીમાં છે, કચેરીથી ક્યારે, કોની સાથે, સરકારી કે ખાનગી વાહનમાં નીકળ્યા, ક્યા રસ્તે, ક્યા ઉભા રહ્યાં એ તમામ પ્રકારની પળે પળની માહિતી માણસો વ્હોટસએપ ગ્રૂપ થકી ખનન માફિયાઓને તેમજ ખનિજ વહન કરતા ટ્રાન્સપોર્ટરને આપે છે.
જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક : ભૂસ્તર વિભાગ અનુસાર ખનીજના સરકારી ભાવ અને રોયલ્ટી જોઈએ તો રેતીના પ્રતિ ટન 240 રૂપિયા અને 40 રૂપિયા રોયલ્ટી, માટી પ્રતિ ટન 175 રૂપિયા અને 25 રૂપિયા રોયલ્ટી અને કપચી પ્રતિ ટન 360 રૂપિયા અને રોયલ્ટી 45 રૂપિયા હોય છે. જેને આધારે નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ વર્ષે દિવસે અંદાજે 100 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને આપે છે. પરંતુ ગેરકાયદેસર ખનન અને ઓવર લોડ વાહનો જે ખનિજ ચોરી કરે છે, એને ગણવામાં આવે તો નવસારીની ભૂસ્તર વિભાગની આવક દોઢી થવાની શક્યતા છે. પરંતુ ભૂમાફિયાઓ દ્વારા નવસારી સહિત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આ રીતે માણસો રોકી, વ્હોટસએપ ગ્રુપ દ્વારા જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક બનાવવામાં આવ્યું છે. સરકારને રોયલ્ટી આપવાથી બચવા અને ગેરકાયદેર ખનન થકી કરોડો રૂપિયા કમાવવાની લાહ્યમાં ભૂમાફિયાઓએ માણસો રોકી વ્હોટસએપ થકી 24 કલાક ભૂસ્તર વિભાગ ઉપર નજર રાખવાનું નેટવર્ક તોડવું પોલીસ માટે પણ ચુનોતીથી ઓછું નથી.