નવસારી: કોરોના વાઈરસની માહામારીના ભયથી નોનવેજ ખાનારાઓની સંખ્યા હાલમાં ઘટી છે. આ સાથે જ તંત્ર દ્વારા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને મરઘાઓનો યોગ્ય નિકાલ કરવાની સૂચના પણ અપાઈ છે. પણ હજુ ઘણા પોલ્ટ્રી ફાર્મ ચાલુ છે. તેવા સંજોગોમાં ચીખલીના તલાવચોરા ગામના મુખ્ય રસ્તા નજીક મોટી સંખ્યામાં મૃત મરઘાઓ હોય જેથી ગ્રામીણોમાં રોષ સાથે જ રોગચાળો ફેલાવવાની ભીતી સેવાઈ રહી છે.
કોરોના વાઈરસની મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના રાક્ષસી ભરડામાં લઈ લીધું છે. કોરોનાનો ફેલાવો રોકવા તંત્ર દ્વારા વિભિન્ન સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. જેમાંથી એક નવસારી જિલ્લાના પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને સ્થિતિને ધ્યાને લઇ ફાર્મ ખાલી કરી બંધ કરી દેવાની સુચના આપવામાં આવી છે. બીજી તરફ લોકોમાં મરઘાને લઇ ફેલાયેલી અફવાઓને કારણે નોનવેજ ખાનારા લોકોની સંખ્યા પણ ઓછી થઇ છે.