ગુજરાત

gujarat

ETV Bharat / state

સરપોર ગામે ખેડૂત ઉપર દીપડાએ કર્યો હુમલો - ગુજરાત

નવસારી જિલ્લાના સરપોર ગામે લીલીના ખેતરમાં ફૂલ તોડવા ગયેલા ખેડૂત યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવાને બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો.

Navsari
Navsari

By

Published : Mar 14, 2021, 3:57 PM IST

  • દીપડા સાથે યુવાને બાથ ભીડી, પંજો વાગતા યુવાન ઈજાગ્રસ્ત થયો
  • આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો
  • દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ

નવસારી : જિલ્લાના સરપોર ગામે લીલીના ખેતરમાં ફૂલ તોડવા ગયેલા ખેડૂત યુવાન ઉપર તરાપ મારીને પંજો મારતા, માથામાં ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ થયો હતો. યુવાને બચાવવા બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો. જ્યારે યુવાનને સારવાર દરમિયાન માથામાં 20 ટાંકા આવ્યા હતા. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સરપોર ગામે ખેડૂત ઉપર દીપડાએ કર્યો હુમલો

શેરડીનું ખેતર સળગાવતા દીપડાનું બચ્ચુ એમાં ઈજાગ્રસ્ત થયુ હોવાની ચર્ચા

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાનો આતંક વર્ષોથી રહ્યો છે. પૂર્ણા નદીની કોતર હોવાથી અને શેરડી અને ડાંગરની મુખ્ય ખેતી હોવાથી દીપડાનો માટે આશ્રયસ્થાન સમાન વાતાવરણ મળી રહે છે. છેલ્લા થોડા મહિનાઓથી નવસારીના સરપોર સહિત આસપાસના ગામોમાં દીપડાનો પરિવાર ફરતો હોવાની ચર્ચા હતી. જેમાં સરપોર ગામે શેરડીનું ખેતર સળગાવતા દીપડાનું બચ્ચું પણ ઈજાગ્રસ્ત થયું હતુ, જેને કારણે દીપડી થોડા થોડા દિવસે ગામમાં આંટાફેરા મારતી નજરે ચડતી હતી અને તેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ હતો.

ખેડૂત

દીપડા સાથે હિંમતથી હરિશે બાથ ભીડી અને ઈજાગ્રસ્થ થયો

ગત રોજ સરપોર ગામે રહેતો અને ખેતમજૂરી કરતો હરિશ હળપતિ સવારે લીલીના ફૂલ તોડવા ખેતરે ગયો હતો, જ્યાં અચાનક દીપડો તેની સામે આવી ચડ્યો હતો અને તેણે હરિશ પર હુમલો કર્યો હતો. હરિશે દીપડાનો પ્રતિકાર કર્યો, પણ દીપડાએ પલટવાર કરતા હરિશે હિંમત દાખવીને તેની સાથે બાથ ભીડી હતી. જેમાં દીપડાએ તરાપ મારીને પંજો મારતા હરિશને માથા અને કાન નજીક ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ થયો હતો. જોકે હરિશની બુમો સાંભળીને નજીકમાં કામ કરતા લોકો દોડી આવતા દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત હરિશને તાત્કાલિક નજીકના દવાખાનાંમાં ખસેડાયો હતો, જ્યાં તેના માથામાં 20 ટાંકા આવ્યા હતા અને કાનમાં થોડી બહેરાશ પણ આવી છે.

સરપોર

ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવવાની તજવીજ આરંભી

સરપોર ગામે દીપડાના હુમલા બાદ ગામના સરપંચ ભરત પટેલે નવસારી વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. વન વિભાગે પોતાની કાર્યવાહી શરૂ કરી, હરિશ હળપતિને વળતર અપાવવાના પ્રયાસ સાથે જ દીપડાને પાંજરે પુરવા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :બારડોલીના તાજપોરમાં એક સાથે 4 દીપડા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ

ABOUT THE AUTHOR

...view details