વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે ઘણી ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને વિજલપોરમાં ટાઉન પ્લાનિંગ ન હોવાના કારણે બાંધકામ મુદ્દે શાસકો મૂંઝવણમાં છે. જેમાં વિજલપોર પાલિકાના બાગી ભાજપી નગરસેવકોએ બાંધકામનો મુદ્દો ઉઠાવી નવો વિવાદ છેડ્યો છે. ભાજપના 16 બાગી નગરસેવકોએ શહેરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામોની ફરીયાદો મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને કરી છે. ત્યારબાદ આ મામલે યોગ્ય તપાસ કરી સબંધિતો માણસો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી હતી.
નવસારીમાં ટાઉન પ્લાનિંગના અભાવે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફટ્યો - CEO
નવસારીઃ શહેરના વિજલપોર નગર પાલિકામાં ટાઉન પ્લાનિંગના અભાવે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. આ વાતની ખુદ ભાજપના બાગી નગરસેવકોએ કમિશ્નર અને કલેક્ટરને ફરિયાદ કરી તપાસની માગ કરી છે. જ્યારે પાલિકાના CEOએ પણ શહેરમાં ટાઉન પ્લાનિંગનો અભાવ હોવાથી 450 બાંધકામ અરજીઓને મંજૂરી મળી ન હોવાની કબુલાત કરી હતી.
આ મામલે પાલિકાના CEO નુડા પર અને નુડાના અધિકારી પાલિકા પર ખો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સાથે જ બાગી નગર સેવકોએ વિજલપોર શહેરમાં 11 ગેરકાયદેસર બાંધકામોની યાદી પણ આપી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે 23 મે સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
વિજલપોર પાલિકાના બાગી ભાજપી નગર સેવકોએ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કરેલી રજૂઆતને પાલિકા CEOએ સાચી ગણાવી હતી. સાથે જ શહેરમાં અંદાજે 450 જેટલા બાંધકામની અરજીઓને કોઈને કોઈ કારણે મંજૂરી મળી ન હોવા છતાં ડીમ મંજૂરીએ બાંધકામ શરૂ કરાયું હોવાની વાત કરી હતી. જો કે, શહેરમાં ટાઉન પ્લાનિંગ ન હોવાથી કઇ માલિકીની જગ્યા અને કઈ સરકારી જગ્યા છે, એ મુદ્દે મૂંઝવણ હોવાની સાથે જ વર્ષ 2016 થી શહેરમાં બાંધકામની મંજૂરી નુડા પાસે લેવાની હોય છે. જેથી કયો પ્લાન નક્શો છે, તેમાં માહિતી પાલિકા પાસે નથી હોતી. પાલિકાને નુડામાથી બીયું સર્ટિફિકેટ મળ્યા બાદ જ બાંધકામ વિષેની માહિતી મળી શકે. જો કે, રજૂઆત મુદ્દે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અનુસાર કાર્યવાહી કરવાનો રાગ આલાપ્યો હતો.