- આઠ ગ્રામ પંચાયતોનો નવસારી-વિજવલપોર પાલિકામાં સમાવેશ થતા વીજ બીલ મુદ્દે વિવાદ
- ગ્રામ પંચાયતોના આગેવાનોએ ધારાસભ્યને કરી રજૂઆત
- રજૂઆતના પગલે વીજ કનેક્શન મુદ્દે કાર્યવાહી અટકાવાઈ
નવસારીઃ નવસારી નગર પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ 8 ગ્રામ પંચાયતોનો કારભાર પાલિકાએ પોતાના હાથમાં લીધો છે. જેમાં ગ્રામ પંચાયતોમાં આવેલી સોસાયટીઓના વોટર વર્ક્સના લાઈટ બીલ ભરવા મુદ્દે પાલિકાએ હાથ ઉંચા કરતા, વીજ કંપનીએ સોસાયટીઓને નોટીસ પાઠવી 4 મહિનાના બાકી લાઈટ બીલ ભરવા જણાવતા મામલો ગરમાયો હતો.
32 લાખના વીજ બીલ હતા બાકી
નવસારી નગર પાલિકાનું હદ વિસ્તરણ થતા કબીલપોર ગ્રામ પંચાયતનો કારભાર નવસારી-વિજલપોર નગર પાલિકાએ પોતાના હસ્તક લઇ લીધો છે. જેમાં કબીલપોર ગ્રામ પંચાયત સમયે મોટાભાગની ખાનગી સોસાયટીઓના વોટર વર્કસના લાખોના લાઈટ બીલ સરકારી યોજના હેઠળ ભરાતા હતા. પરંતુ કબીલપોર નવસારી-વિજલપોર નગર પાલિકામાં ભળતા જ સોસાયટીઓને વોટર વર્કસના બીલો ભરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટીસો પાઠવતા સોસાયટીવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકામાં ભળવા પૂર્વે કબીલપોર ગ્રામ પંચાયતની અંદાજે 3 કરોડની આવક હતી, પણ પાલિકા સુવિધા આપવાથી છટકી રહી હોવાના આક્ષેપો સાથે સોસાયટીઓના લાખો રૂપિયા બીલો મુદ્દે આગેવાનોએ ધારાસભ્ય પીયૂષ દેસાઈને સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી હતી.