નવસારી :નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ડાંગ જિલ્લાને અડીને આવેલા વાંસદા તાલુકો મોટો જંગલ વિસ્તાર ધરાવે છે. મોટી સંખ્યામાં સાગ, ખેર, ચંદન જેવા વૃક્ષોથી અહીંયાનો વિસ્તાર ભરેલો છે. આ કારણે કિંમતી વૃક્ષોનું નિકંદન કરી અમુક લાલચુ તત્ત્વો તગડો નફો મેળવતા હોય છે. પરંતુ જંગલ સંપત્તિના રક્ષણ માટે બાજ નજર રાખીને બેઠેલા નવસારી વન વિભાગ દ્વારા સમયાંતરે કિંમતી લાકડાની તસ્કરી કરતા તત્વોને ઝડપી પાડી જંગલી સંપત્તિનું રક્ષણ કરવામાં આવે છે.
કિંમતી લાકડાની તસ્કરી : આ બનાવની મળતી વિગત અનુસાર વાંસદા વન વિભાગને મળેલ બાતમી મુજબ વાંસદાથી ધરમપુર જતા માર્ગ ઉપર કિંમતી ખેરના લાકડા ભરેલી ટ્રક પસાર થવાની હતી. જેથી વન વિભાગ દ્વારા વહેલી સવારે પાંચ થી છ વાગ્યા દરમિયાન બાતમી વાળા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મીંઢા બારીથી જામલિયા રોડની વચ્ચે બાતમીવાળું વાહન જેનો નંબર MH-41-AU-6561 પસાર થયું હતું. જેને વન વિભાગના અધિકારીઓ દ્વારા રોકવામાં આવી હતી.
ભેજાબાજ તસ્કરો : આ વાહનમાં ડાંગરનું ક્ષણ ભરેલું હતું, પરંતુ આ ડાંગરના ક્ષણ ભરેલી બોરીઓ હટાવી તપાસ કરવામાં આવતા બોરીયોની આડમાં અનામત પ્રકારના હાથ ઘડતરી કરેલ ખેરના લાકડા મળી આવ્યા હતા. આ ખેરના લાકડાનો અંદાજે 11 ટન જેટલો હતો જેની બજાર કિંમત અંદાજે 8 લાખ રૂપિયા થાય છે. આ અંગે પૂછપરછ કરતા આ સમગ્ર લાકડાની કોઈ પાસ પરમીટ મળી નહોતી. જેથી ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી લાકડાનો જથ્થો ભરાવનાર અને લેનારની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાખો રૂપિયાનો મુદ્દામાલ : પૂછપરછમાં જાણવા મળ્યું કે, વાંસદા ખાતે લાકડાનો જથ્થો ભરવા આવનાર ઈસમોની મોટી ગેંગ હતી. તેઓ ટ્રકમાં ડાંગરની ક્ષણની બોરિયો ભરી તેની પાછળ લાકડાનો જથ્થો સંતાડતા હતા. જેથી પહેલી નજરમાં કોઈને પણ ખ્યાલ ન આવે કે આમાં લાકડાનો જથ્થો જઈ રહ્યો છે. તેઓ માલ ભરી વહેલી સવારે નીકળતા હતા કારણ કે આ સમયે વન અધિકારીઓ પેટ્રોલિંગમાં ન હોય અને સરળતાથી નિર્ધારિત કરેલા સ્થળ ઉપર પહોંચી શકાય.
વન વિભાગની કાર્યવાહી : વાંસદા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. ડી. રાઠોડ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગને મળેલી બાતમી મુજબ બિન પાસ પરવાનગી વગરના લાકડાની ટ્રકને ઝડપી પાડી બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 11 ટન જેટલા ખેરના લાકડા જેની બજાર કિંમત 8 લાખ રૂપિયા અને ટ્રકની કિંમત 6 લાખ રૂપિયા સાથે કુલ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી ભારતીય વન અધિનિયમ 1927 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં લાકડાનો જથ્થો ક્યાંથી ભર્યો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પણ તપાસને વેગ આપવામાં આવ્યો છે.
- Kher Timber Smuggling: સેલવાસ ક્રાઇમ બ્રાન્ચે 11 ટન ખેરના લાકડા ભરેલો ટેમ્પો કબ્જે કર્યો
- ઉચ્છલ વનવિભાગે લાકડાની તસ્કરી કરતા એકને ઝડપી પાડ્યો