નવસારીમાં બ્રિજ પર પાણીના જોરદાર પ્રવાહ, છતાં લોકો જોખમી રીતે વાહન હંકારતા મળ્યા જોવા નવસારી : જિલ્લામાં ભારે વરસાદ બાદ થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે નવસારી જિલ્લામાં હાસ્કારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તર વધ્યા છે. જેમાં નવસારીના કુરેલ અને સુપા ગામને જોડતો લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા હાલ તો બ્રિજ અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે. અહીં કરોડોના ખર્ચે કાવેરી નદી પર ઊંચો બ્રિજ બાંધવામાં આવ્યો છે.
પાણીના પ્રવાહમાંથી વાહન : ગત ચોમાસામાં કાવેરી નદી પરના બ્રિજનો એક ભાગ નમી પડતા નવો જ બનાવવામાં આવેલા બ્રિજને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી સ્થાનિકો જુનો લો લેવલ બ્રિજનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આંતલીયા અને ઊંડાચ ગામને જોડતો આ લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેથી વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ પરથી અવરજવર કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ઊંડાચ અને આતલિયાથી બીલીમોરા જતા વાહનચાલકો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવા છતાં પણ જોખમી રીતે પાણીના પ્રવાહમાંથી પોતાનું વાહન હંકારતા જોવા મળ્યા હતા.
વલસાડથી બીલીમોરા જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. અહીં વસેલા સાતથી આઠ ગામડાઓ બીલીમોરા સાથે કનેક્ટેડ છે. તેથી બીલીમોરા ઉંડાચ અને આતલીયા વચ્ચે આવેલી કાવેરી નદી પર ઉંચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગયા વર્ષે બ્રિજના પિલ્લરનો ભાગ બેસી જતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જેથી ફરી લોકો અહીંના લો લેવલ બ્રિજનો ઉપયોગ કરે છે, કારણ કે અહીંના સ્થાનિકો પોતાની નોકરી ધંધો અને અન્ય કામ અર્થે બીલીમોરા જતા હોય છે. જેથી આ બ્રિજ બંધ થતાં બીલીમોરા જવા માટે 20 કિલોમીટર લાંબો ચકરાવો કરવો પડતો હોય છે. જેથી આર્થિક ભારણ અને સમય વધતા લોકો અહીંના લો લેવલ બ્રિજનો જોખમી રીતે ઉપયોગ કરે છે. તંત્ર એ વેળાસર ધ્યાન આપી ફરી નવો બનાવેલા બ્રિજની મરામત કરીને તેને ફરી કાર્યરત કરવામાં આવે તો સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. - સેજલ પટેલ (આગેવાન, ઊંડાચ ગામ)
નદીઓની જળ સપાટી : નવસારી જિલ્લાની નદીઓની જળ સપાટીની સપાટીના આંકડા જોઈએ તો, પુણા નદી 15.5 ભયજનક સપાટી 23 ફૂટ, કાવેરી નદી 11 ભયજનક સપાટી 19 ફૂટ, અંબિકા નદી 5.800 મીટર ભયજનક સપાટી 28 ફૂટ આ તમામ આંકડા સાંજે છ વાગ્યા સુધીના છે.
- Gujarat Rain Update : અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં આગાહી, વરસાદમાં બ્રેક ક્યારે પડશે જાણો
- Surat Rain : ઉશ્કેર ગામ પાસે પસાર થતી ખાડી બની ગાંડીતુર, લોકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે
- Jamnagar News : જામનગર જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો, મેઘમહેરથી એવું પાણી આવી ગયું કે લોકો રાજીરાજી