નવસારી : શહેરના વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરાજાહેર ખૂની ખેલ ખેલાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના બે પરિવાર વચ્ચે લગ્ન પહેલાના પ્રેમ સબંધને લઈને અદાવત થઈ હતી. વિજલપોર વિસ્તારના ક્રિષ્ના નગર ખાતે રહેતા ધર્મેન્દ્ર સોનકરને આ વિસ્તારમાં રહેતા દિનેશ સોનકરની બહેન જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે સંબંધને લઈને બંને સોનકર પરિવારો વચ્ચે ખતરાગ પેદા થયો હતો. પ્રેમ સંબંધને લઈ અગાઉ ઝઘડા પણ થયા હતા. જોકે બાદમાં દિનેશની બહેનના યુ.પી ખાતે લગ્ન કરી દેવાયા હતા. બીજી તરફ ધર્મેન્દ્ર પણ લગ્ન કરી બે બાળકોનો પિતા બન્યો હતો.
પ્રાણ પંખેરું ઉડી ગયું : હાલ જ્યારે યુપી ખાતેથી દિનેશની બહેન નવસારી આવતા ફરી પ્રેમ સંબંધને કારણે થયેલી દુશ્મનીનું ભૂત ધુણવા લાગ્યું હતું. દિનેશ ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો. તે દરમિયાન બપોરના સમયે વિજલપોર વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રી નજીક ધર્મેન્દ્ર સોનકર ઉભો હતો, ત્યારે દિનેશ સોનકર અચાનક ત્યાં ધસી ગયો હતો. ધર્મેન્દ્ર કઈક સમજે તે પહેલા દિનેશ ત્રણથી ચાર જેટલા તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ અચાનક થયેલા હુમલાના કારણે ધર્મેન્દ્ર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર ફસડાઈ પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.