નવસારી: ગુજરાતમાં 15 દિવસમાં કોરોના વાઈરસ 100 પરથી 1 હજાર પર પહોંચવાની તૈયારીમાં છે. જેને લઈને લોકોમાં હવે કોરોના પ્રત્યે ડર પણ વધી રહ્યો છે. 90 ટકા લોકો લોકડાઉનનું પાલન કરવામાં જ જીવન હોવાનું માની રહ્યાં છે, પરંતુ નવસારી શહેર અને જિલ્લામાંથી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ નજીકના કોરોના રેડ ઝોન જાહેર થયેલા સુરત જિલ્લામાં અપડાઉન કરી રહ્યાં છે. જેને લઈને નવસારીના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોરોના ધીરે ધીરે વિકરાળ બની રહ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યાં ગુજરાતમાં કોરોના પૉઝિટિવ કેસ 100ની અંદર હતા, ત્યાં 15 દિવસમાં જ કોરોનાના પૉઝિટિવ કેસોની સંખ્યા 1 હજારની નજીક પહોંચી છે. રાજ્યના 9 જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓને કોરોનાએ પોતાની જાળમાં ફસાવ્યા છે.
નવસારી જિલ્લો અત્યાર સુધી કોરોનાની ઝપેટથી દૂર રહ્યો છે. હજુ પણ કોરોનાથી બચી રહે, એ માટે જિલ્લા પોલીસ આકરા તાપમાં પણ અડગતાથી જિલ્લાના રસ્તાઓ પર ઉભી છે. પરંતુ સુરત જિલ્લામાં આવશ્યક સેવાઓ આપતા અને પોતાનું કર્તવ્ય નિભાવતા બેંક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC), હોસ્પિટલો તેમજ અન્ય સરકારી કે અર્ધ સરકારી સંસ્થાનોના અધિકારીઓ, કર્મચારીઓ રોજે રોજ નવસારીથી કોરોનાના રેડ ઝોન જાહેર થયેલા સુરત અપડાઉન કરી રહ્યા છે. જેમાં, મીની બસો, કાર અને બાઈક, મોપેડ પર સુરત જતા ઘણા લોકો સોશ્યિલ ડીસ્ટનસિંગ પણ જાળવી શકતા નથી. જેને જોઇને નવસારીજનોમાં કોરોનાને લઇને ચિંતા જોવા મળી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારી સુરત જતા કર્મચારીઓને જતા રોકે અથવા એમની સુરતમાં જ રહેવાની વ્યવસ્થા ગોઠવે એવી લોક લાગણી પ્રવર્તી રહી છે.
સમગ્ર મુદ્દે જિલ્લા પોલીસવડા ડૉ. ગિરિશ પંડ્યાએ જણાવ્યું કે, 'નવસારીમાંથી સુરતમાં આરોગ્ય, એસએમસી, સફાઈ જેવી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અપડાઉન કરી રહ્યાં છે. જિલ્લા પોલીસ એમના આઈ-કાર્ડ તેમજ સંબંધિત કચેરી દ્વારા આપાયેલ સર્ટીફીકેટ તેમજ ઓથોરીટી લેટર તપાસીને અવર-જવરની મંજૂરી આપે છે. બાઈક ઉપર એક વ્યક્તિ હોય અને કારમાં ઓછામાં ઓછી સંખ્યા હોય અને સોશ્યિલ ડિસ્ટન્સીગ જળવાય એનું ધ્યાન પોલીસ રાખી રહી છે.'