ખુંધ ગામના યુવાનનો જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો વિડીયો વાયરલ નવસારી : આજકાલ સોશિયલ મીડિયામાં બર્થ ડેમાં અનોખી અને જોખમી રીતે કેક કાપવાનો વિડીયો બનાવી વાયરલ કરી દબંગ પર્સનાલિટી બતાવવાનો જાણે ક્રેઝ વધી રહ્યો છે. પણ આવા શોખમાં ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પણ જાળવણી થતી નથી તેવા બનાવો અનેકવાર સામે આવે છે. આવું જ ચીખલીના ખૂંધ વિસ્તારમાં થયું જ્યાં બે દિવસ પહેલાં એક યુવાને તલવાર વડે કેક કાપી હતી. તેનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલો વિડીયો પોલીસ પાસે પહોંચતા ચીખલી પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં.
જન્મદિવસની કેક તલવાર વડે કાપી :ખાસ કરીને મેટ્રોસિટીમાં જોવા મળતો બર્થ ડે ઉજવવાનો અનોખો ક્રેઝ જ્યાં યુવાનો પોતાના જન્મદિનને અનોખી રીતે ઉજવવા માટે જોખમ ખેડવા પણ તૈયાર હોય છે ત્યારે અમુક યુવાનો દબંગ સ્ટાઇલમાં પણ બર્થ ડે સેલિબ્રેશન કરતા હોય છે અને બર્થ ડે કેક તલવાર વડે કાપતા હોય છે આવા કિસ્સાઓ મોટેભાગે મેટ્રોસિટીમાં થતા હોય છે અને તેના વિડીયો વાયરલ થતાં એ વિડીયો ગ્રામ્ય વિસ્તાર તરફ પણ ફરતા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને પણ આવી દબંગ સ્ટાઇલમાં બર્થ ડે ઉજવવાનો ચસ્કો લાગ્યો હોય તેમ આવા કિસ્સાઓ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો દેશી પિસ્તોલથી કેક કાપવાનો વીડિયો થયો વાયરલ, સરપંચ અને અન્યો સામે કેસ દાખલ
ખુંધ ગામના પ્રજ્ઞેશ પટેલે તલવારથી કેક કાપી :નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામના પ્રજ્ઞેશ પટેલે તલવારથી કેક કાપી બર્થ ડે ઉજવી હતી. જેનો બોલીવુડના સોંગ પર બનાવેલો વિડીયો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હોવાની વાત છે. જેથી તાત્કાલિક તપાસના આદેશ આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ થયા હતાં. જેને પગલે ચીખલી પોલીસે જાહેરનામાનો ભંગ થયા બદલ વીડિયોમાં દેખાતા ત્રણ સામે કાયદેસરના પગલાં લીધા હતાં.
થોડા સમયમાં જામીન પણ થયા : જોકે આ જામીનપાત્ર ગુનો હોવાથી ત્રણેયના થોડા સમયમાં જામીન પણ થયા હતાં. પરંતુ આવા પ્રકારનું કૃત્ય જોખમી અને ભાઈગીરીને જન્મ આપનારું છે. અનેક શહેરોમાં આવા વિડીયો બનાવી યુવાનો ભાઈગીરી હોવાની છાપ ઊભી કરે છે. જેમાં દરેક વખતે પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં પણ આવા વિડીયો બનાવવાનું કે તલવારથી કેક કાપવાનું બંધ થતું નથી તે ચિંતાજનક છે.
આ પણ વાંચો આ તે કેવું બર્થ ડે સેલિબ્રેશન! કેક કાપ્યા બાદ પટ્ટાથી માર માર્યો
યુવાન સામે કાયદેસરના પગલાં લેવાયાં : સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે, જે, ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓને 188 મુજબ જાહેરનામાના ભંગ થયા બદલ ત્રણ લોકો સામે કાયદેસરના પગલાં લીધા હતા. જોકે આ જામીન પાત્ર ગુનો હોય ત્રણેયના થોડા સમયમાં જામીન પણ થઈ ગયા છે.