નવસારી: બદલાતા વાતાવરણમાં ફળોનો રાજા કેરીના ઉત્પાદન પર અસર થઈ હતી. અધૂરામાં પુરૂ કોરોનાના લોકડાઉનને કારણે ખેડૂતોની પડયા પર પાટૂ જેવી સ્થિતિ બની હતી. સાથે જ ખેડૂતોએ કેરી 30 ટકા જ રહેવાની સંભાવના તેમજ બજાર મળવા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ખેડૂતો સીધી ગ્રાહકોને કેરી વેચી શકે, એ હેતુથી વિશેષ કેરી બજાર શરૂ કરવાનો વિચાર નવસારી APMC સમક્ષ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ મુકતા, APMC તંત્રની મદદથી તેને જીવંત કર્યો છે. શહેરના રાશિ મોલ નજીક નવસારી પાલિકાના પ્લોટમાં APMCએ સોમવારથી કેરી બજાર શરૂ કર્યું છે.
નવસારી APMCએ શરૂ કર્યું કેરી બજાર, ખેડૂતો સીધા ગ્રાહકોને કરી શકશે કેરીનું વેંચાણ
મોસમની માર સહન કર્યા બાદ કોરોનાને કારણે જાહેર લોકડાઉનમાં ફળોના રાજા કેરી માટે બજાર મળશે કે કેમ, ની ચિંતા ખેડૂતોને સતાવી રહી હતી. નવસારીના ધારાસભ્યના વિચારને નવસારી APMCએ જીવંત કરી, સોમવારથી પાલિકાના પાર્ટી પ્લોટમાં કેરી બજાર શરૂ કર્યુ છે. જેથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વેપારીઓ નહીં, પણ ખેડૂતો સીધા ગ્રાહકોને કેરી વેચી શકશે. જેને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા સાથે જ ગ્રાહકોને કિફાયતી ભાવે કેરી મળશે.
જેમાં હાલ 10 સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં કેસર, હાફૂસ, લંગડો, દશેરી, ટોટાપુરી સહિત વિભિન્ન કેરીઓ સાથે ખેડૂતોએ સ્ટોલ લગાવ્યા છે.
પ્રથમ દિવસે ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત પાલિકા અને ખેડૂત આગેવાનોએ કેરી બજારની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે ખેડૂતોએ કેરી બજાર થકી, ગ્રાહકોને ખાત્રીની કેરી મળવા સાથે તેમને પોષણક્ષમ ભાવો મળવાની આશા વ્યક્ત કરી હતી.
કેરી બજાર શરૂ થતા જ નવસારીના કેરી રસિયાઓ આકારા તાપમાં પણ કેરી બજારમાં કેરી લેવા ઉમટી પડયા હતા. લોકડાઉનના સમયમાં ખાત્રીની કેરી કિફાયતી ભાવે મળવાથી ગ્રાહકોમાં પણ ખુશી જોવા મળી હતી. સાથે જ કોરોના કાળમાં હેન્ડ સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે કેરી બજાર શરૂ કરવા બદલ APMCના પ્રાયસની સરાહના કરી હતી. જ્યારે APMC દ્વારા ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાની કેરી વેચી શકે એ માટેનો પ્રયાસ ગણાવી, માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવનારને કેરી નહીં વેચવાની વાત સાથે ગ્રાહકોને કિફાયતી ભાવે કેરી મળી રહે એવી આશા વ્યક્ત કરી હતી.
બદલાતા વાતાવરણ બાદ કોરોના મહામારીમાં જાહેર લોકડાઉન ખેડૂતો માટે નુકસાનકારક જ સાબિત થયું છે, ત્યારે નવસારીના જન પ્રતિનિધિઓ અને તંત્રના પ્રયાસોથી શરૂ થયેલું કેરી બજાર ખેડૂતો અને ગ્રાહકો બંને માટે લાભદાયી સાબિત થશે.