નવસારી :હલકા ધાન્ય પાકોને પ્રોત્સાહિત કરવા ભારત અને ગુજરાત સરકાર આગામી ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકેની ઉજવણી કરી રહી છે, ત્યારે હલકા ધાન્ય પાકોના નવીનતમ ટેકનોલોજી પર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળા સાથે પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ એન પટેલ અને વસુધારા ડેરીના ચેરમેન મગન પટેલે ખુલ્લો મુક્યો હતો. આ પ્રદર્શનમાં હલકા ધાન્ય પાકો શહેરી વિસ્તાર કરતાં ગામડામાં રોજિંદા જીવનમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી શહેરમાં પણ હલકા ધાન્ય વિશે પૂરતી માહિતી મળી રહે અને ખેડૂતોને પણ નવી માહિતી ઉપલબ્ધ થાય એવા હેતુથી આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૂલ્યવર્ધન પર ખેડૂતોને માર્ગદર્શન : નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કૃષિ મેળામાં દક્ષિણ ગુજરાતના આદિવાસી બાહુલ્ય વિસ્તારના ખેડૂતો સાથે પ્રગતિશીલ ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં હલકા ધાન્ય પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જેમાં બાજરી, જુવાર, પોદરા, નાગલી, બંટી, વળી કાન સામો અને રાજગરો મુખ્ય હોય છે. તેથી હલકા ધાન્ય પાકમાં સંશોધન પ્રક્રિયા કરણ અને મૂલ્યવર્ધન પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધાન્ય પાકનું મૂલ્યવર્ધન : હલકા ધાન્ય પાકથી થતા લાભ તેમજ પાક લેવા અંગે કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને ઉપયોગી માહિતી આપી હતી. તો બીજી તરફ આ કૃષિ મેળા પ્રદર્શનમાં નાગલી, રાગી, કાંગ કોદરી, બાજરો, જુવાર, સામો, મોરચો, ચેના જેવા હલકા ધાન્ય પાકો પ્રદર્શિત કરવા સાથે ધાન્ય પાકનું મૂલ્યવર્ધન કરી તેમાંથી બનતી પ્રોડક્ટ પણ વેચાણમાં મૂકવામાં આવી હતી.