નવસારીમાં ટીપી સ્કીમનો રોડ પહોળો કરવા મુદ્દે 325 ઘરોને નોટિસ નવસારીઃ શહેરની વિજલપુર નગર પાલિકાનો ટીપી સ્કીમનો રોડ પહોળો કરવા બાબતે હોબાળો મચી ગયો છે. નગર પાલિકાએ 325 ઘરોને ડીમોલિશનની નોટિસ પાઠવી હતી. નગર પાલિકાએ પાઠવેલ નોટિસનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ નગર પાલિકા પ્રમુખ અને સીઓને આવેદન પત્ર આપ્યું હતું. તેમની માંગણી ઘર બદલ ઘરની પણ રજૂઆત કરી હતી.
ઉગ્ર વિરોધઃ નવસારી વિજલપુર નગર પાલિકાએ વોર્ડ નંબર 13ના હોડી મહોલ્લાથી અલીફ નગર સુધીનો ટીપી રોડ પહોળો કરવા માટે અહીં વસતા 325 ઘરોને નોટિસ પાઠવી છે. આ નોટિસને પરિણામે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાઈ ગયો છે. જેમાં રહીશોએ સાથે મળીને એક રેલી કાઢી. જેમાં સૂત્રોચ્ચાર અને બેનર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહીશોએ દશેરા ટેકરીથી નગર પાલિકા સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં ભાજપના 4 નગર સેવકો પણ જોડાયા હતા. નગર સેવકોને વિશ્વાસમાં લીધા સિવાય નગર પાલિકાએ નોટિસ પાઠવી તેથી નગર સેવકોએ પાલિકાની નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
નગર પાલિકા દ્વારા વોર્ડ નં. 13માં હોડી મહોલ્લાથી લઈ અલીફ નગર સુધીના વિસ્તારમાં રહેતા 325થી વધુ ઘરોને ટીપી રોડ પહોળો કરવા ઘર ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ પાઠવવામાં 4 નગર સેવકોને જાણ કરવામાં આવી નથી. તેથી અમે નગર પાલિકાના ચિફ ઓફિસર અને પ્રમુખને રજૂઆતો કરી છે. આ પરિવારોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવા રજૂઆત કરી હતી. ભૂતકાળમાં નવસારી નગર પાલિકા દ્વારા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તે વ્યવસ્થા આ પરિવારોને પણ કરવાની અમારી માંગણી છે...પ્રશાંત દેસાઈ(નગર સેવક, વોર્ડ નં.13, નવસારી)
શહેરના વિકાસમાં રસ્તાઓ ઉપર થતા દબાણોને હટાવવા જરુરી છે, કાયદાકીય રીતે 325 મકાનોને હટાવવા નોટિસ આપી છે. આ નોટિસ મુદ્દે આ વિસ્તારના રહીશોએ આજે નગર પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. જેમને સાંભળવામાં આવ્યા છે અને આવનારા સમયની અંદર તેમની રજૂઆતો પર વિચારણા કરીને જાહેર હિતની અંદર નગરપાલિકાના ટીપી સ્કીમના રોડને કે રીતે ખુલ્લા કરી શકાય જરૂરી પરામર્શ કરીને લોકહિતમાં નિર્ણય લેવામાં આવશે...જે.યુ. વસાવા(સીઓ, નવસારી વિજલપુર નગર પાલિકા)
- નવસારી-બારડોલી મુખ્ય માર્ગને પહોળો કરવાની કવાયત, તંત્રની ડિમોલીશન કામગીરીથી માહોલ ગરમાયો
- Navsari Accident : નવસારીમાં ફરી એક રહેણાંક મકાનની બાલ્કની તુટી પડી, એક મહિલાનું દુઃખદ મોત