- બુલેટ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ કરવાનો પ્રોજેક્ટ
- જમીન સંપાદન ન થવાથી બુલેટ ટ્રેનની ગતિ ધીમી પડી
- બે કિલોમીટર વિસ્તારમાં બનશે બુલેટ ટ્રેનનું રેલ્વે સ્ટેશન
નવસારી: ભારત સરકારે દેશમાં હાઇ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ કરવાનું સપનું સેવ્યુ હતુ. અમદાવાદથી મુંબઇ સુધી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી, સરકારે જમીન સંપાદનની પ્રક્રિયા 2 વર્ષ પૂર્વે આરંભી હતી. નવસારી જિલ્લાના 28 ગામોમાંથી પણ બુલેટ ટ્રેન પસાર થશે. જોકે ગુજરાતમાં નવસારી જિલ્લામાં જ જમીન સંપાદન ન થવાથી બુલેટ ટ્રેનની ગતિ ધીમી પડી છે, જેનું કારણ ઓછુ વળતર છે. ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને જિલ્લાની વર્ષ 2011 ની જંત્રીને આધારે વળતર ચુકવવાની તૈયારી કરી છે. જયારે ખેડૂતો પોતાની ઉપજાઉ જમીનના બદલામાં બજાર કિંમતના ચાર ગણા વળતરની માંગ કરી રહ્યા છે. જેથી સરકાર જંત્રીની કિંમત વધારે એ અર્થે ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં ગુજરાત હાઈકોર્ટમાં વળતર મુદ્દે દાદ માંગી છે. જયારે વર્ષ 2013 માં યુપીએ સરકારમાં સુધારા સાથે આવેલા જમીન સંપાદન કાયદા આધારે સરકાર બજાર કિંમતના ચાર ગણા વળતરની ચુકવણી કરે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. જેમાં જિલ્લાના મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાનું સમર્થન જાહેર કર્યુ છે.
એક જ ખેડૂતની જઇ રહી 35 વિઘા જમીન
નવસારી જિલ્લાના કેસલી અને પાટી ગામ નજીક અંદાજે બે કિલોમીટર વિસ્તારમાં બુલેટ ટ્રેનનું રેલ્વે સ્ટેશન બનશે. જેમાં અંદાજે 70 વીઘા જમીન સંપાદિત થશે, જોકે એમાંથી અડધી, 35 વીઘા જમીન પાટી ગામના એક જ ખેડૂત પરિવારની જઇ રહી છે. ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારને મહામુલી જમીન જવાને કારણે ખેડૂત જ મટી જવાની ચિંતા સતાવી રહી છે. આ સાથે જ પરિવારનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવશે એની ચિંતા સાથે ખેડૂતે સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી ઉચ્ચારી છે.