નવસારીઃનવસારી જિલ્લામાં આવેલા હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાનો હાઈવે ફરી એક વાર ગોઝારો સાબિત થયો છે. અહીં ચીખલી નજીકના આલીપૂર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ પણ વાંચોSurat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો
પારેખ પરિવારના સભ્યોનો બચાવઃજિલ્લામાંથી પસાર થતાં 50 કિમી લાંબા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની હારમાળા સર્જાવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગત વર્ષમાં પણ અંતિમ દિવસે કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ફરી એ જ પ્રકારે સર્જાયેલા અકસ્માતમાં સ્કોડા કાર પલટી મારી ડિવાઈડર કૂદીને સામેના ટ્રેકટર ટ્રક સાથે ભટકાતા આ કાર ચગદાઈ ગઈ હતી. તેમ છતાં કારમાં સવાર પારેખ પરિવારના 5 સભ્યોને ચમત્કારિક બચાવ થયો હતો.
હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઊઠ્યો ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ દરમિયાન હાઈવે પર થયેલા અકસ્માતોમાં 65થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે નવસારીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે આજે પણ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઇવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.
ચીખલી પાસે બન્યો અકસ્માતઃ ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાસ્થળે 4ના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તો નવસારી DySP સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ અંગે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કારણ હોઈ શકે છેઃકારમાં મૃત યુવાનો બેન્કોકથી વાયા મુંબઈ આવતા હોવાની પ્રાથમિક વિગત મળી છે. તેમ જ કારમાંથી મૃતદેહો બહાર કાઢનારા વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહિત ઓવર સ્પીડ એ અકસ્માતનું કારણ બની રહી છે ત્યારે આ મામલે જાગૃતિ આવી ખૂબ જરૂરી બની રહી છે.