નવસારી:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં ગણદેવીના નાદરખામાં વળતર મેળવવા માટે બોગસ પેઢી નામાને આધારે 12 લાખ મેળવી છેતરપિંડી કરનાર 3 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન હાલ કાર્યરત છે. અમદાવાદથી મુંબઈની વચ્ચે આ પ્રોજેક્ટનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટમાં જ્યાંથી બુલેટ ટ્રેન પાસ થવાની છે તેવા ખેડૂતોને આ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના લાખો રૂપિયા સરકાર દ્વારા ચૂકવાઇ રહ્યા છે.
બોગસ દસ્તાવેજોને આધારે વળતર મેળવવા પ્રયાસ:આ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન જાય છે તેના બદલે સરકાર તેઓની જમીનના સારું એવું વળતર આપી ખેડૂતોને પણ ફાયદો પહોંચાડી રહી છે. દક્ષિણ ગુજરાતમાંથી પણ નવસારી, બીલીમોર અને ગણદેવી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ઘણા ખેડૂતોને જમીનની સામે વળતર ચૂકવવામાં આવ્યું છે. આ વળતર લાખો કરોડોમાં ચૂકવાતું હોય આ જોઈ અમુક ગઠિયાઓ પોતાનુ શેતાની દિમાગ વાપરી બોગસ દસ્તાવેજ ઉભા કરી તેને આધારે વળતર મેળવ્યું હોય એવું પણ થયું છે.
શું છે સમગ્ર મામલો?:બોગસ દસ્તાવેજોના આધારે જમીન સંપાદનના વળતર મેળવ્યું હોય એવી એક ઘટના ગણદેવી તાલુકાથી સામે આવી રહી છે. ગણદેવી તાલુકાના નાંદરખા ગામે સર્વે નં. 49 જુનો બ્લોક નં.123 જેનો નવો બ્લોક નં.1281 વાળી જમીન ઇસ્માઇલ દાઉદના નામે ચાલી આવેલ હતી. 23 ગુંઠા આ જમીનનો કબજો અને વહીવટ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા કરવામાં આવે છે. દરમિયાન ગામના જ અલ્લારખુ ફકીર ખલીફાએ ઈસ્માઈલ દાઉદનો વર્ષોથી કોઈ હતો પતો ના હોય અને ગામમાં પણ ઈસ્માઈલ દાઉદને કોઈ ઓળખતું ના હોવાથી તેનો સીધો ફાયદો ઉઠાવી, તેણે પોતાનું નામ અલ્લારખુ ફકીર ઇસ્માઇલ જણાવી તેને આધારે ગામના તલાટી કમ મંત્રી પાસે જઈ ખોટું પેઢીનામું બનાવી પોતાના પિતરાઈ ભાઈઓ સોહેલ ઉમર ખલીફા અને સોયેબ ઉમર ખલીફા પણ સીધા વારસદારો હોવાનું જણાવી તેમના નામ પણ પેઢીનામામાં દાખલ કરાવ્યા હતા. ત્યારબાદ તેને આધારે આ ભેજાબાજોએ સવા ત્રણ ગુંઠા જમીનના સામે 12 લાખ રૂપિયા મેળવી લીધા હતા પરંતુ તેઓનો ભાંડો ફૂટી ગયો હતો.