ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતેના તોફાની પાવનોમાં ખરી પડેલી કેરીઓ મંડળીઓએ લઇ આપી રાહત - નવસારી વાવાઝોડું ન્યૂઝ

ફળોના રાજા કેરીની મીઠાશ તૌકતે વાવાઝોડાને કારણે ફિક્કી પડી છે. વાવાઝોડામાં તોફાની પવનો ફૂંકાતા, નવસારી જિલ્લાની આંબાવાડીઓમાં હજારો મણ કેરી ઝાડ પરથી ખરી પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ કુદરતી આફત સામે નવસારી જિલ્લાની સહકારી મંડળીઓ કેરી પકવતા ખેડૂતોની વહારે આવી છે. મંડળીઓએ હજારો મણ કેરી લઈ ખેડૂતોને પુરતો ભાવ મળે એવા પ્રયાસો કર્યા છે.

ખેડૂતોને ખરણ થયેલી સારી કેરીના પુરતા ભાવ મળવાની બંધાઈ આશા
ખેડૂતોને ખરણ થયેલી સારી કેરીના પુરતા ભાવ મળવાની બંધાઈ આશા

By

Published : May 29, 2021, 8:17 AM IST

  • ખેડૂતોના લાખોમાં નુકસાન સામે મંડળીઓથી મળ્યું આશાનું કિરણ
  • નવસારીની સહકારી મંડળીઓએ હજારો મણ કેરી પુલિંગ પદ્ધતિથી લીધી
  • ખેડૂતોને ખરણ થયેલી સારી કેરીના પુરતા ભાવ મળવાની બંધાઈ આશા

નવસારી: ચક્રવાતી પવનોમાં હજારો મણ કેરીઓ ખરી પડતા ખેડૂતની ચિંતા વધી હતી. મૌસમનો માર સહન કરી રહેલા નવસારીના બાગાયતી પાકોના ખેડૂતોને આ વર્ષે કેરીનું ઉત્પાદન સારૂ મળવાની આશા હતી. જેમાં સીઝનના પ્રારંભે જ એક મણ કેરીના 1,600 રૂપિયાથી વધુ ભાવ મળતા ખેડૂત ખુશ હતો. પરંતુ ગયા દિવસોમાં તૌકતે વાવાઝોડાને કારણે ફૂંકાયેલા તોફાની પવનોમાં કેરીના પાકને મોટું નુકસાન થયું હતું. આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ચક્રવાતી પવનને કારણે જમીન પર ખરી પડી હતી. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન આંકવામાં આવ્યું હતું.

ખેડૂતોના લાખોમાં નુકસાન સામે મંડળીઓથી મળ્યું આશાનું કિરણ

આ પણ વાંચો: પાણીના ભાવે કેસર કેરી, બોક્સના રૂપિયા 20થી 150

ખેડૂતના પડખે સહકારી મંડળીઓએ ઉભી રહેતા નુકસાનીમાં રાહત

ગણદેવીના ખખવાડા ગામના ખેડૂત મિલન નાયકની આંબાવાડીમાં અંદાજે 300 મણથી વધુ કેરી ખરી પડી હતી. ખરણ થવાને કારણે કેરીના ભાવો પણ 6 થી 8 ગણા ઘટી જતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ ખેડૂતના પડખે સહકારી મંડળીઓએ ઉભી રહેતા નુકસાનીમાં રાહત મળી છે. વાવાઝોડામાં ખરી પડેલી હજારો મણ કેરી પુલિંગ પદ્ધતિથી મંડળીઓએ લીધી ગણદેવી તાલુકો નવસારીનો નંદનવન વિસ્તાર ગણાય છે અને ખેડૂતો દ્વારા ચાલતી સહકારી મંડળીઓ ખેડૂતો માટે વર્ષોથી આશીર્વાદરૂપ સાબિત થાય છે.

આ પણ વાંચો:નવસારીના વાડા ગામમાં વાવાઝોડાથી કેરીના પાકને થયુ મોટું નુકસાન

ખેડૂતોને પૂરતો ભાવ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા

જેમાં ગયા દિવસોમાં આવેલા તૌકતે વાવાઝોડાને કારણે હજારો મણ કેરી ખરી પડતા કરોડોનું નુકસાન જોવાઇ રહ્યું હતું. જેથી ખેડૂતોની ખરણ થયેલી કેરી પુલિંગ પદ્ધતિથી સહકારી મંડળીઓએ લઈને ખેડૂતોને પૂરતો ભાવ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને ગણદેવી વિસ્તારની સહકારી મંડળીઓએ હજારો મણ કેરી લઈ કેનિંગ ફેક્ટરીમાં મોકલવાની વ્યવસ્થા ઊભી કરી છે. જેથી જિલ્લાના ખેડૂતોમાં મંડળીઓને કારણે મોટી નુકસાનીમાંથી બચ્યાં હોવાનો ભાવ જોવા મળી રહ્યો છે.

સહકારી મંડળીઓ ખેડૂતો માટે અંધારામાં નવી આશા સાબિત થઈ

નવસારીમાં વાવાઝોડાના તોફાની પવનોએ 50થી 60 ટકા કેરીઓનું ખરણ કરતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો હતો. પરંતુ ખેડૂતો દ્વારા જ ચાલતી સહકારી મંડળીઓ ખેડૂતો માટે અંધારામાં નવી આશા સાબિત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details