નવસારી: કોરોનાને કારણે જાહેર લોકડાઉનમાં ખેતીને મોટું નુકસાન થયું છે. જેમાં નવસારીમાં ચીકૂમાં થયેલા નુકસાનને કારણે ફળમાખીનો ઉપદ્રવ વધ્યો છે. જેનાથી ખેતરોના શેઢા પર થતાં ફણસના પાકમાં પણ રોગ તેમજ ઉનાળાની ગરમી વધવાને કારણે નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે.
ફણસમાં ફૂગ અને સુકારાના રોગથી નુકસાનની ભીતિ ઉલ્લેખનીય છે કે, ફણસની વ્યાપારિક ધોરણે ખેતી થતી નથી, પરંતુ જિલ્લાના નંદનવન ગણાતા ગણદેવી તાલુકાના મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં ફણસના ઝાડ જોવા મળે છે.
બાગાયતી પાકોમાં નવસારી જિલ્લો અવ્વલ રહ્યો છે. અહીંના ચીકૂ, કેરી, જમરૂખ સહિતના પાકો દેશ દુનિયામાં પ્રચલિત બન્યા છે. જેમાં ખાસ કરીને ગણદેવી તાલુકાનું સૌથી મોટુ ફળ ફણસ, ભારતના બજારોમાં ગણદેવીના ચાંપા (જેક ફ્રૂટ) તરીકે પ્રખ્યાત છે. ઘણા ન્યુટ્રીયન્ટ ધરાવતા ફણસના મીઠા ચાંપાનું શાક સ્વાદ રસિયાઓમાં ઘણુ પ્રિય છે. આ સાથે જ ચાંપામાંથી નીકળતા ઠળિયાનું શાક અને ચાંપાની ફરાળી વેફર પણ બનતી હોય છે.
દક્ષિણ ભારતના કેરળ બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં થતી ફણસની ખેતી પણ કોરોનાને કારણે પ્રભાવિત થઈ છે. કેરી અને ચીકૂ કે અન્ય ખેતરોના શેઢા પર થતાં ફણસ ફળમાખી અને ઉનાળાની ગરમી વધવાને કારણે ફૂગ અને સુકારાના રોગનો શિકાર બની રહ્યા છે. જેને કારણે ફણસમાં પણ આર્થિક નુકસાન સહન કરવાના દિવસો આવે તેવી ભીતિ ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે.
નવસારીમાં ફણસની ખેતી વ્યાપારિક ધોરણે નથી થતી, પરંતુ જિલ્લાના મોટાભાગના ખેતરોના શેઢા પર ફણસનું ઝાડ અવશ્ય જોવા મળે છે. સીધું ઉગતું ફણસનું ઝાડ લોક ઉપયોગી છે અને અનેક ફૂલોમાંથી બનતા ફણસના ફળમાં અનેક ચાંપા (જેક ફ્રૂટ) હોય છે. આ ફણસનું વજન 5થી 50 કિલો જેટલું થાય છે. જેમાં ભરપુર માત્રામાં ન્યુટ્રીયન્ટ જોવા મળે છે. ફણસનું લાકડું પણ ફર્નિચર અને કોતરણી વર્ક માટે પણ ઘણું ઉપયોગી છે, ત્યારે કોરોના મહામારીમાં અન્ય પાકો સાથે ફણસની ખેતીમાંથી પણ નુકસાનીને ટાળવા માટે ખેડૂતોને ફૂગ નાશક દવાઓનો છંટકાવ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.