- વર્ષો અગાઉ કોલેરાની મહામારી નાથવા કઢાઈ હતી ઢીંગલા યાત્રા
- પરંપરાગત રીતે માનવ કદનો ઢીંગલો બનાવી ધામધૂમથી આદિવાસીઓ કાઢે છે યાત્રા
- હળપતિ રાઠોડ સમાજે જિલ્લા કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
નવસારી : નવસારી પંથકમાં વર્ષોથી પરંપરાગત રીતે દિવાસાના દિવસે કાઢવામાં આવતી ઢીંગલા બાપાની યાત્રાને મંજૂરી આપવાની માગ સાથે નવસારીના દાંડીવાડના હળપતિ રાઠોડ સમાજના આગેવાનોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ કોરોનાની જેમ ફેલાયેલી કોલેરા (Cholera) ની મહામારીને નાથવા બાધા રાખી માનવ કદના ઢીંગલાની યાત્રા કાઢવામાં આવી હતી.
કોલેરાની જેમ કોરોનાને નાથવા પણ ઢીંગલા બાપાની યાત્રાને મંજુરી આપવામાં આવે
નવસારી પંથકમાં વર્ષો અગાઉ ફેલાયેલી કોલેરા (cholera) ની બીમારીને નાથવા પારસી ગૃહસ્થ દ્વારા આદિવાસીઓના સહયોગથી માનવ કદના ઢીંગલો બનાવી, એની યાત્રા કાઢવાની બાધા લીધી હતી. જેમાં અષાઢી અમાસ એટલે દિવાસાને દિવસે માનવ કદનો ઢીંગલો બનાવી તેની યાત્રા કઢાઈ હતી અને નવસારીને કોલેરા(cholera) થી મુક્તિ મળી હોવાની જૂની માન્યતા છે. ત્યારથી શહેરના દાંડીવાડ સ્થિત આદિવાસી પરિવાર પરંપરાગત રીતે માનવ કદનો ઢીંગલો બનાવી, 5 દિવસનો દિવાસા ઉત્સવ ઉજવી દિવાસાના દિવસે ધામધૂમથી ઢીંગલા બાપાની યાત્રા કાઢવામાં આવે છે.
ગત વર્ષે કોરોના કાળમાં યાત્રા નીકળી શકી નહોતી
કોરોના કાળમાં ગત વર્ષે ઢીંગલા બાપાની યાત્રા નીકળી શકી ન હતી. જ્યારે આ વર્ષે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાને મંજુરી મળી એ જ રીતે આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર અને સમગ્ર પંથકમાં એકમાત્ર નવસારીના દાંડીવાડથી જ નીકળતી ઢીંગલા બાપાની યાત્રાને મંજૂરી આપવામાં આવે એવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ઢીંગલા બાપાની યાત્રા કોલેરા રોગને નાથવા કઢાઈ હતી, એ જ પ્રમાણે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આગામી 8 ઓગસ્ટ, 2021 ના રોજ દિવાસાના દિવસે કોરોના ગાઈડલાઈન (corona guideline) પાલન સાથે ઢીંગલા બાપાની યાત્રાને મંજૂરી આપવામાં આવે એવી માંગણી આદિવાસી આગેવાનોએ કરી છે.