- ગંભીરાવસ્થામાં સાઇકલ સવારને હોસ્પિટલમાં ખસેડાયો, સારવાર દરમિયાન મોત
- ખેરગામ-ધરમપુર માર્ગ પર પેટ્રોલ પંપ પર કામ કરતો હતો મૃતક
- પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી શરૂ કરી તપાસ
નવસારી: ખેરગામ-ધરમપુર માર્ગ પર ભૈરવી ગામના પેટ્રોલપંપ પર જઈ રહેલા સાઇકલ સવારને કાળ બની બેફામ દોડતા ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારતા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાઇકલ ચાલકને તાત્કાલિક ધરમપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પો ચાલક ટેમ્પો લઈ નાસી છૂટ્યો હતો.
ભૈરવી ખાતે ટેમ્પો સાથે અક્સમાત થતા સાઇકલ સવારનું મોત સાઇકલ સવાર ટેમ્પોની અડફેટે 50 ફુટ ફંગોળાયો
ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઝરા ફળિયામાં રહેતા ગુલાબ ભીખુભાઇ પટેલ ગામમાં જ આવેલા પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. સોમવારે બપોરે ગુલાબ ઘરે જમવા ગયા બાદ પરત સાઇકલ પર પેટ્રોલપંપ પર જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી કાળમુખી ટેમ્પોના ચાલકે પેટ્રોલપંપ પર વળી રહેલા ગુલાબ પટેલને જોરદાર ટક્કર મારતા, ગુલાબ ફંગોળાયો હતો અને 50 ફુટ દૂર જઈને રસ્તા પર પટકાયો હતો. રસ્તા પર પટકાતા ગુલાબને માથામાં ગંભીર ઈજાઓ થતા, તેને પેટ્રોલપંપના માણસોએ તાત્કાલિક ધરમપુરની હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં સારવાર દરમિયાન ગુલાબનું કરૂણ મોત નિપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ટેમ્પો પુરઝડપે ચલાવીને ફરાર થયો હતો.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
ભૈરવી ગામે ટેમ્પો અડફેટે સાઇકલ સવાર ગુલાબ પટેલના મોતની ઘટનાની જાણ થતા ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પેટ્રોલપંપના CCTV ફૂટેજ જોતા હિટ એન્ડ રનની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેથી પોલીસે CCTV ફૂટેજને આધારે અજાણ્યા ટેમ્પો ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.