- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મીશન અંતર્ગત પાલિકાએ યોજ્યો રાખી મેળો
- મેળામાં 15 સ્ટોલ થકી 150 થી વધુ મહિલાને મળી રોજગારી
- રાખડી સાથે મીઠાઈ, ચોકલેટ સહિત અન્ય વસ્તુઓનું પણ વેચાણ
નવસારી:કોરોના કારણે ઘણા આર્થિક નુકસાન થયા છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા બજારો ખુલ્યા મુકવામાં આવ્યા છે, પણ હજુ વેપારને વેગ નથી મળી રહ્યો. ત્યારે ગૃહ ઉદ્યોગ થકી પોતાના પરિવારને મદદરૂપ થતી, મહિલાઓના સખીમંડળોને કોરોના કાળમાં બજાર મળી રહે, એવા હેતુથી નવસારી નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજથી લક્ષ્મણ હોલ ખાતે રાખી મેળાનું આયોજન કરાયું છે.
મહિલાઓના મંડળોને મદદરૂપ થવાનો નગરપાલિકાનો પ્રયાસ
કોરોના કાળમાં બજારો લાંબા સમય સુધી બંધ રહેતા વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બજારોમાં ધીરે-ધીરે ખરીદી જોવા મળી રહી છે. પરંતુ કોરોનાના કપરા કાળમાં ગૃહ ઉદ્યોગ થકી પોતાના પરિવારને મદદરૂપ થતી મહિલાઓના સખીમંડળો બજાર ન મળતા મુંઝાયા હતા અને તેમણે આર્થિક સંકડામણ પણ વેઠવી પડી હતી. જોકે તહેવારો શરૂ થતાં સખીમંડળો મીઠાઈ, ફરસાણ, ચોકલેટ, રાખડી સહિત અન્ય વસ્તુઓ બનાવીને બજારો શોધી રહ્યા છે. એવામાં નવસારી નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાખડી બનાવતા સખીમંડળો માટે રાખી મેળો યોજીને મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.