નવસારીઃ 28 દિવસના લોકડાઉનમા જિલ્લો ગ્રીન ઝોનમાં રહ્યો હતો, પરંતુ 21 એપ્રિલે સવારે જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયુ હતું. તે ગણદેવી તાલુકાના ભાટ ગામની બોટમાં ખલાસી તરીકે મજૂરી કરવા ગયો હતો અને લોકડાઉન જાહેર થયા બાદ બસમાં નવસારી આવ્યો હતો. બાદમાં તેને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ક્વોરોન્ટાઈનના 14 દિવસ પછી સુરતના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. પછી તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના પરિવારજનો અને તેમના પરિવારમાંથી કોઈએ થોડા દિવસ માટે ગણપતિ ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કર્યું હોવાથી દુકાનદારના પરિવાર પણ હોમ કોરોન્ટાઇન કરાયા છે. જ્યારે હાંસાપોર ગામના સધ્યા ફળિયા બહાર પતરા લગાવી તેને બફર ઝોન બનાવ્યો અને સમગ્ર હાંસાપોર ગામ તથા તેના 3 કિમીમાં આવેલા મંદિર અને એરૂ ગામને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન જાહેર કર્યા અને પોલિસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ત્યાંથી અવર-જવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નવસારીના હાંસાપોર-આંતલિયા ગામને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરાયા
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ કેસો ગતિ પકડવાથી તંત્ર એલર્ટ થયુ છે. જેમાં નવસારી જિલ્લો લોકડાઉનના 28 દિવસો સુધી ગ્રીન ઝોનમાં રહ્યો હતો, પરંતુ 21 એપ્રિલે સવારે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જે જલાલપોર તાલુકાના હાંસાપોર અને આંતલિયા ગામમાં 1-1 પોઝિટિવ કેસ આવતા બંન્ને ગામોને કલસ્ટર ક્વોરોન્ટાઇન કર્યાં છે.
આ પછી ગણદેવીના આંતલિયા ગામે રામલા ફળિયામાં ૨૪ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જે પોતાની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા પોતાના ઘરે પરત થઇ હતી. બાદમાં 19 એપ્રિલે કોરોનાના લક્ષણ દેખાતા જિલ્લાની કોવિડ–19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનો કોરોના રિપોર્ટ પણ 21 એપ્રિલે મોડી સાંજે પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેના પરિવારજનો સહિત તેના સંપર્કમાં આવતા લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેણીના પરિવારજનોને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા. જયારે સમગ્ર આંતલિયા ગામને ક્લસ્ટર કોરોન્ટાઇન જાહેર કરી, ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી, અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ જણાવ્યુ હતું કે, જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં હાંસાપોર ગામને સંપૂર્ણ બેરીકેડીંગ કરી, નજીકના એરુ ગામને ક્વોરોન્ટાઇન કરાયા છે. તેમજ એમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વહીવટી તંત્ર દ્વારા ત્યાં જ પહોંચાડવામાં આવશે. એવી જ રીતે બીલીમોરા નજીકના આંતલિયા ગામને પણ ક્વોરોન્ટાઈન કરેલુ છે. બંને જગ્યાએ બેરીકેડીંગ અને પતરા લગાવાનું કામ પૂર્ણ કરી બંદોબસ્ત ચાલુ છે. આ સાથે જ ચારેય ગામોના સરપંચો અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.