- એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 662 પર પહોંચી
- જિલ્લામાં 60 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી ગણદેવીના વૃદ્ધનું મોત
નવસારી : નવસારી જિલ્લામાં કોરોના હવે સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં નવસારીમાં ગુરુવારે કોરોનાના નવા 96 સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 662 પર પહોંચી છે. જ્યારે ગણદેવીના 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નોંધાયું હતુ.
વધુ વાંચો:ડાંગ જિલ્લામાં 14 એક્ટિવ કેસ, 6 દર્દીઓને અપાઇ રજા
અગાઉ 2 થી 5 નોંધાતા હતા કેસ
એક સમયે નવસારીમાં જ્યાં કોરોનાના કેસ 2 થી 5 નોંધાતા હતા, ત્યાં હવે કોરોના સદી ફટકારવા તરફ જઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસોથી કોરોનાના કેસો 90થી ઉપર નોંધાઈ રહ્યાં છે. તેમાં પણ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 96 સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. ગણદેવીના 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નોંધાયું હતું. જિલ્લામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 2003 થઈ છે. બીજી તરફ જિલ્લામાં 60 લોકોએ કોરોનાને માત આપતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2771 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 106 લોકોને કોરોના ભરખી ગયો છે.
વધુ વાંચો:કામરેજ અને પલસાણાના 13 ગામમાં શુક્રવારથી આંશિક લોકડાઉન